નવી દિલ્હીઃ એમ્પલોયીઝ પેન્શન સ્કીમ હેઠળ રોકાણમર્યાદાને ટૂંક સમયમાં દૂર કરવામાં આવે એવી શક્યતા છે. જોકે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હાલ મહત્તમ પેન્શન યોગ્ય વેતન રૂ. 15,000 સુધી સીમિત છે. તમારો પગાર ગમેતેટલો હોય, પણ પેન્શનની ગણતરી રૂ. 15,000 પર જ થશે. આ મર્યાદાને દૂર કરવા માટે મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 12 ઓગસ્ટે ભારત સંઘ અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO) દ્વારા દાખલ કરવામાં આવેલી બેન્ચની સુનાવણી ટાળી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્મચારીના પેન્શનને રૂ. 15,000 સુધી સીમિત ના રાખી શકાય. આ મામલાની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.
હાલ કર્મચારીના પગારમાંથી 12 ટકા હિસ્સો EPFમાં જમા થાય છે અને કંપની દ્વારા પણ એટલો જ હિસ્સો આપવામાં આવે છે, પણ આમાં એક હિસ્સો 8.33 ટકા EPSમાં જાય છે. જે દર મહિને રૂ. 1250 થાય છે.
કર્મચારી નિવૃત્ત થાય છે, ત્યારે પેન્શનની ગણતરી મહત્તમ વેતન રૂ. 15,000 પર કરવામાં આવે છે. જે પ્રમાણે એક કર્મચારી EPS હેઠળ મહત્તમ પેન્શન રૂ. 7500 જ મેળવી શકે છે. જેથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને કોર્ટ ટૂંક સમયમાં રૂ. 15,000ની મર્યાદા દૂર કરે એવી શક્યતા છે.