સાંભળ્યું? હાથીઓના કારણે આ વીજ કંપનીને 1674 કરોડનું નુકસાન!!

રાયપુર: છત્તિસગઢમાં હાથી અને લોકો વચ્ચે સંઘર્ષની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે આનો કોઈ મજબૂત ઉકેલ નથી મળી શક્યો. રાજ્યના લગભગ 15 જિલ્લા જંગલી હાથીઓના આતંકથી પ્રભાવિત છે. અહીં હાથીના ઝુંડ ખેતરોમાં ઉભા પાકને નુકસાની પહોંચાડે છે અને લોકોને કચડીને મોતને ઘાટ ઉતારી દે છે. રાજ્યમાં સરેરાશ દર સપ્તાહે હાથીઓના હુમલાથી ઓછામાં ઓછા બે લોકોના મોત થાય છે. હાથીઓના કારણે રાજ્યની વીજળી કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે.

હકીકતમાં જંગલમાંથી પસાર થતાં વીજળીના તારોની ઝપેટમાં આવવાથી છેલ્લા વર્ષોમાં રાજ્યમાં 44 હાથીઓના મોત થયા છે. આના કારણે રાજ્યની વીજ વિતરણ કંપનીએ વન ક્ષેત્રોમાં સ્થિત વીજળીના તારને ઊંચા કરવા અને ઈન્સુલેટર વાળા એરિયલ બંચ કેબલ લગાવવાનો પ્લાન કર્યો છે. જેના માટે અંદાજે 1674 કરોડ રૂપિયા ખર્ચ થશે.

આ સમગ્ર મામલાની શરુઆત જાન્યુઆરી 2018માં હાઈકોર્ટમાં દાખલ એક જનહિત અરજી દ્વારા થઈ હતી. આ અરજી સામાજિક કાર્યકર્તા નિતિન સિંધવીએ દાખલ કરી હતી.

સિંધવીએ જણાવ્યું કે, સુનાવણી દરમ્યાન વીજ કંપની તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું કે, કંપની વીજ તારને ઊંચા કરવા સહિત અન્ય ઉપાયો કરી રહી છે. આના આધારે કોર્ટે અરજીનું નિરાકરણ કરી દીધુ. સાથે જ કહ્યું કે, નિરાકણનો અર્થ એવો નથી કે વીજ કંપની ઘોરનિંદ્રામાં સૂતી રહે. કોર્ટે વીજ તારની ઊંચાઈ વધારવા સહિત અન્ય ઉપાય કરવા નિર્દેશ આપ્યા હતાં. વીજ કંપનીએ આ 1674 કરોડ રૂપિયાના ખર્ચની ભરપાઈ વન વિભાગ પાસેથી માગણી કરતા ડિમાન્ડ નોટ જાહેર કરી દીધો.