હવાના પ્રદૂષણ સામે રક્ષણ આપતા આ સ્મોગ ટાવર એ શું છે?

નવી દિલ્હીઃ દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જુદા જુદા સ્થળોએ શુદ્ધિકરણ ટાવરો- સ્મોગ ટાવર સ્થાપવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. ચાલો જાણીએ આ સ્મોગ ટાવર્સ શું છે? કેવી રીતે કામ કરે છે તે વાયુ પ્રદૂષણ સાથેના વ્યવહારમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે?

સ્મોગ ટાવર એ ખૂબ મોટું હવાનું શુદ્ધિકરણ કરતું -એર પ્યૂરિફાયર છે. તે આસપાસની ગંદી હવા ખેંચી લે છે અને હવા શુધ્ધ કરીને ફરી વાતાવરણમાં ફેંકે છે. સ્મોગ ટાવર દર કલાકે કરોડો મિલિયન ક્યુબિક મીટર હવાને સાફ કરી શકે છે અને પીએમ 2.5 અને પીએમ 10 જેવા 75 ટકા હાનિકારક કણોને સાફ કરીને હવાને શુદ્ધ કરી શકે છે. ટાવર ફિલ્ટર્સ પીએમ 2.5 અને તેનાથી મોટા પ્રદૂષણના કણોને સાફ કરવામાં સક્ષમ છે. આ ટાવર્સ સોલાર એનર્જી પર પણ કામ કરે છે.

સ્મોગ ટાવરનો પહેલો પ્રોટોટાઇપ ચીનના બેઇજિંગમાં સ્થાપિત થયો હતો. બાદમાં તે ચીનના તિયાંજીન અને ક્રાકોમાં પણ લગાવવામાં આવ્યો હતો.

નેધરલેન્ડનો ડેન રોઝેગટર પાંચ વર્ષ પહેલાં બેઇજિંગમાં હતો. એક દિવસ તેણે તેની હોટલની બારીમાંથી ડોકિયું કર્યું, બહાર કંઈ દેખાતું નહોતું. પ્રદૂષણને કારણે આખું વાતાવરણ કાળું થઈ ગયું હતું. શેરીઓમાં ફક્ત વાહનો જ દેખાતાં હતાં. તે સમયે, ડેનના મનમાં એક વિચાર આવ્યો.

તેણે વિચાર્યું કે, જો શહેર એવું પ્રદૂષણ ઓકતું મશીન બની ગયું છે તો એવું મશીન કેમ ન બનાવી શકાય જે આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવી શકે. નેધરલેન્ડ્સ વતન પરત ફરતાં  ડેને વૈજ્ઞાનિકો અને ઇજનેરોની મદદથી વિશ્વનો સૌથી મોટો વેક્યૂમ ક્લીનર (સ્મોગ ટાવર) બનાવ્યો. ડેનનાં વિશાળ વેક્યૂમ ક્લીનર્સ નેધરલેન્ડથી ચીન અને પોલેન્ડ સુધી કાર્યરત છે.

દિલ્હી સ્થિત એક સ્ટાર્ટઅપ કંપનીએ 40 ફૂટ લાંબા પ્યુરિફાયર બનાવ્યાં છે જે તેના ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં 75,000 લોકોને શુધ્ધ હવા પ્રદાન કરી શકે છે. તે દરરોજ 3.2 મિલિયન ક્યુબિક મીટર હવાને સ્વચ્છ કરવાની ક્ષમતા ધરાવે છે.