નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ – આ પાંચ રાજ્યોમાં આ વર્ષના અંતભાગમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે આ રાજ્યો માટેના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચે આ માટે આજે બપોરે અહીં પત્રકાર પરિષદ બોલાવી છે અને એમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ પાંચેય રાજ્યોની વિધાનસભાઓની મુદત ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024 વચ્ચે સમાપ્ત થઈ રહી છે. તેથી તે પૂર્વે નવી ચૂંટણી યોજવી અનિવાર્ય છે. ચૂંટણી પંચ મુદત પૂરી થવાના છથી આઠ સપ્તાહ પહેલાં નવી ચૂંટણીની તારીખ અને કાર્યક્રમ જાહેર કરતું હોય છે.
કોંગ્રેસ પાર્ટી હાલ બે રાજ્યમાં સત્તા પર છે – રાજસ્થાન અને છત્તીસગઢ. મધ્ય પ્રદેશમાં ભાજપાનું શાસન છે. તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળના ભારત રાષ્ટ્ર સમિતિનું શાસન છે જ્યારે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) સત્તા પર છે.