વડીલો યુવાઓને મતદાન કેમ મહત્ત્વપૂર્ણ છે, એ સમજાવેઃ નારાયણમૂર્તિ

બેંગલુરુઃ કર્ણાટકમાં વિધાનસભાની 224 સીટો માટે મતદાન સવારે સાત કલાકથી શરૂ થઈ ગયું છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈ, નાણપ્રધાન સીતારામન, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પા, ઇન્ફોસિસના સંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને તેમનાં પત્ની અને લેખિકા સુધા મૂર્તિ તથા મૈસુરના શાહી પરિવારનાં સભ્ય રાજમાતા પ્રમોદા દેવીએ રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું હતું.

મતદાન પછી નારાયણમૂર્તિએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એ મોટાઓની જવાબદારી છે કે યુવાઓની સાથે બેસે અને તેમને સમજાવે કે મતદાન કેમ મહત્ત્વનું છે. મને પણ મારાં માતાપિતા મતદાન કરાવવામાં માટે લઈ ગયા હતા. પહેલા આપણ મતદાન કરવું જોઈએ અને પછી આપણે કહી શકીએ કે એ સારું છે કે નહીં, પરંતુ જો આપણે તેમ નથી કરતા તો આપણે એની ટીકા કરવાનો અધિકાર નથી.

તેમના પત્ની સુધા મૂર્તિએ મતદાન પછી યુવાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે જુઓ, અમે વયોવૃદ્ધ છીએ, પણ અમે સવારે મતદાન કર્યું છે. કૃપયા અમારાથી શીખો. મતદાન લોકતંત્રનો એક પવિત્ર હિસ્સો છે. આવો અને મતદાન કરો અને પછી તમારી પાસે વાત કરવાની શક્તિ છે. મતદાન વિના તમારી પાસે વાત કરવાની કોઈ શક્તિ નથી. મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કરવાની અરજ કરી હતી, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યમાં 58,545 મતદાન કેન્દ્રો પર કુલ 5,31,33,054 મતદાતાઓ મત નાખવાને પાત્ર છે, જેમાં 2,67,28,053 પુરુષ મતદાતાઓ છે અને 2,64,00,074 મહિલાઓ અને 4927 અન્ય છે.  અહીં 2615 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 2430 પુરુષ, 184 મહિલાઓ અને એક અન્ય લિંગનો ઉમેદવાર છે.