નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) મની લોન્ડરિંગ મામલે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને તપાસ માટે બોલાવ્યા છે. મની લોન્ડરિંગનો આ મામલો ગેરકાયદે ખનનથી જોડાયેલો છે, જેમાં આશરે રૂ. 1000 કરોડના કૌભાંડનો આરોપ છે. સોરેનની નજીકના પંકજ મિશ્રાની ED પહેલાંથી આ કેસમાં ધરપકડ કરી ચૂકી છે.
સોરેન ઝારખંડના સાહિબગંજ જિલ્લાની બરહેટ વિધાનસભા સીટથી વિદાનસભ્ય છે. EDએ ગયા વર્ષે દાવો કર્યો હતો કે મની લોન્ડરિંગથી જોડાયેલા એક મામલામાં ધરપકડ કરવામાં આવેલા પંકજ મિશ્રાને રાજકીય સુરક્ષા પ્રાપ્ત છે, કેમ કે તેઓ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના રાજકીય પ્રતિનિધિ છે અને તેમના વિધાનસભા ક્ષેત્રમાં સંચાલિત ગેરકાયદે ખનન કામગીરીને તેઓ સહયોગીઓ દ્વારા નિયંત્રિત કરે છે. તપાસ એજન્સીએ કહ્યું હતું કે એણે ઝારખંડમાં અત્યાર સુધી ગેરકાયદે ખનનથી આશરે રૂ. 1000 કરોડના મૂલ્યની સંપત્તિઓની ઓળખ કરી છે.રાજ્યમાં મની લોન્ડરિંગ મામલે 47 તપાસક ઝુંબેશ ચલાવવામાં આવી, જેમાં રૂ. 5.34 કરોડની રોકડ, રૂ. 13.32 કરોડની બેન્ક જમા રકમ, રૂ. 30 કરોડના મૂલ્યની નૌકા, પાંચ સ્ટોન ક્રશર અને બે ટ્રક જપ્ત કરવામાં આવ્યાં છે. દરોડામાં બે AK-47 રાઇફલ પણ જપ્ત થઈ છે, જેને ઝારખંડ પોલીસે પોતાની બતાવી છે, એમ તપાસ એજન્સીએ જણાવ્યું હતું.
એજન્સીએ ગેરકાયદે ખનન અને જબરદસ્તી વસૂલાત મામલામાં આઠ જુલાઈ, 2022એ ઝારખંડના સાહિબગંજ, બરહૈટ, રાજમહલ, મિરઝા ચોકી અને બરહરવા વિસ્તારમાં મિશ્રા અને તેમના સહયોગીઓની 19 જગ્યાએ દરોડા પાડ્યા હતા. એજન્સી આરોપ લગાવ્યો હતો કે મિશ્રાએ ગેરકાયદે રીતે મોટા પાયે સંપત્તિ હડપી છે અથવા એકત્ર કરી છે.