AAP વિધાનસભ્ય અમાનતુલ્લા ખાનને EDના દરોડા

નવી દિલ્હીઃ ઓખલાથી આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે, કેમ કે તેમના ઘરે દરોડા માટે EDની ટીમ પહોંચી છે. જોકે તેમણે EDની ટીમને ઘરમાં પ્રવેશતા અટકાવી છે, કેમ કે તેમની સાથે સ્થાનિક પોલીસની ટીમ હાજર નહોતી. જેથી સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી. EDની ટીમ વકફ બોર્ડ મામલે તપાસના સિલસિલામાં અમાનતુલ્લાના ઘરે પહોંચી છે.

તેમણે સોશિયલ મિડિયા X પર એક વિડિયો જારી કરતાં કહ્યું હતું કે હજી સવાર-સવારમાં તાનાશાહના ઇશારે તેમની કઠપૂતળી ED મારા ઘરે પહોંચી ચૂકી છે. મને અને આપ નેતાઓને પરેશાન કરવામાં કોઈ કસર નથી છોડવામાં આવી રહી. ઇમાનદારીથી અવામની ખિદમત કરવી એક ગુનો છે. આખરે આ તાનાશાહી ક્યાં સુધી?

આપ વિધાનસભ્યે કહ્યું હતું કે હજી સવારના સાત વાગ્યા છે. ED સર્ચ વોરન્ટને નામે મારી ધરપકડ કરવા મારા ઘરે આવી આવી છે. મારા સાસુને કેન્સર થયું છે. ચાર દિવસ પહેલાં તેમનું ઓપરેશન થયું છે. તેઓ મારા ઘરે છે. EDએ મોકલેલી દરેક નોટિસનો મેં જવાબ આપ્યો છે. તેમનો ઉદ્દેશ મારી ધરપકડ કરવાનો અને અમારું કામ બંધ કરવાનો છે. છેલ્લાં બે વર્ષથીઆ લોકો મને હેરાન કરી રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટા કેસ કરી રહ્યા છે. તેઓ મને ને મારી પાર્ટી માટે દરેક દિવસે કંઈ ને કંઈ સમસ્યા ઊભી કરે છે. મને આશા છે કે મને કોર્ટમાંથી ન્યાય મળશે.