નવી દિલ્હી – ભાષણમાં તેમજ નિવેદનો કરવામાં બેફામ રીતે શબ્દો ઉચ્ચારીને આદર્શ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવા બદલ ચૂંટણી પંચે ચાર નેતાઓ પર ચૂંટણીપ્રચાર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
આ ચાર નેતા છે – યોગી આદિત્યનાથ (ભાજપ), માયાવતી (બહુજન સમાજ પાર્ટી), મેનકા ગાંધી (ભાજપ) અને આઝમ ખાન (સમાજવાદી પાર્ટી).
વાંધાજનક ભાષણ અને નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર 72 કલાકનો અને બહુજન સમાજ પાર્ટીનાં વડાં માયાવતી પર 48 કલાકનો ચૂંટણીપ્રચાર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ આજે સવારે 6 વાગ્યાથી લાગુ થયો છે.
ચૂંટણી પંચે કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી ઉપર 48 કલાકનો અને આઝમ કાન પર 72 કલાકનો પ્રતિબંધ મૂક્યો છે. આ બંને પરનો પ્રતિબંધ આજે સવારે 10 વાગ્યાથી લાગુ થશે.
મેનકા ગાંધીએ પોતે જ્યાંના ઉમેદવાર જાહેર કરાયાં છે તે પીલીભીત શહેરમાં મુસ્લિમોને એમ કહ્યું હતું કે જો તમારે નોકરી જોઈતી હોય તો મને વોટ આપો.
ઉત્તર પ્રદેશના રામપુર મતવિસ્તારના ઉમેદવાર આઝમ ખાને એમનાં હરીફ ઉમેદવાર અને ભાજપનાં નેતા, પીઢ ફિલ્મ અભિનેત્રી જયાપ્રદા વિરુદ્ધ અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. ખાને ગયા રવિવારે રામપુરમાં એક ચૂંટણી રેલીમાં એમ કહ્યું હતું કે તમે આ લોકોના અસલી ચહેરાને ઓળખવામાં 17 વર્ષ લીધા, પણ મને 17 દિવસમાં જ ખબર પડી ગઈ કે એ લોકો ખાખી રંગનો અન્ડરવેર પહેરે છે.
ચૂંટણી પંચે પ્રતિબંધ મૂકતાં આ નેતાઓ આ સમયગાળા દરમિયાન કોઈ જાહેર સભા યોજી નહીં શકે, સરઘસ કે મોરચા કાઢી નહીં શકે, રેલી યોજી નહીં શકે, રોડ શો કરી નહીં શકે અને આ વખતની ચૂંટણીને લગતા કોઈ ઈન્ટરવ્યૂ મિડિયાને આપી નહીં શકે.