11 લાખ રેલ કર્મીઓને બોનસ, ઇ-સિગારેટ પર હવે પ્રતિબંધ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં બે મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં ઈ-સિગારેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જ્યારે મોદી કેબિનેટે બીજો મહત્વનો નિર્ણય લેતા 11 લાખ રેલવે કર્મચારીઓને બોનસ તરીકે 78 દિવસનું વેતન ચૂકવવાની જાહેરાત કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઈ-સિગારેટ પર પ્રતિબંધ અંગેની જાણકારી આપતા કહ્યું કે, ઈ-સિગારેટના ઉત્પાદન, વિતરણ, અને વેચાણ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

નાણાપ્રધાને  આ અંગે વધુ જાણકારી આપતા કહ્યું કે, માર્કેટમાં 150થી વધુ ફ્લેવર્સમાં ઈ-સિગારેટ મળે છે, અને લોકોને એવુ કહેવામાં આવે છે કે, આના માધ્યમથી સિગારેટનું વ્યસન સરળતાથી છોડી શકાય છે. જ્યારે અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ઈ-સિગારેટથી સિગારેટની આદતમાં વધારો થાય છે. તેમણે કહ્યું કે, ઈ-સિગારેટ પર પ્રતિબંધ મુકવાનો વટહુકમ પસાર કરવામાં આવશે. ત્યારબાદ આ વટહુકમને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જશે તો, આગામી સત્ર દરમ્યાન સંસદમાં રજૂ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

આ છે સજાની જોગવાઈ

આ વટહુકમ અંગે આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે, પ્રથમ વખત નિયમોનું ઉલ્લંઘન કરવા પર 1 વર્ષ સુધી જેલની સજા અને 1 લાખ રૂપિયા સુધીના દંડનો પ્રસ્તાવ છે. ત્યારબાદ નિયમો તોડવા પર મંત્રાલયે 5 લાખ રૂપિયાનો દંડ અને 3 વર્ષની જેલની સજાની ભલામણ કરી છે. આમા ઈ-હુક્કાનો પણ સમાવેશ થાય છે.

રેલવે કર્મચારીઓને ભેટ

મોદી કેબિનેટ રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે 11 લાખ રેલવે કર્મચારીઓને બોનસનારૂપમાં 78 દિવસનો પગાર આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ અંગે માહિતી આપતા કહ્યું કે, રેલવે કર્મચારીઓને સતત છઠ્ઠા વર્ષે બોનસ મળશે. સરકારના આ નિર્ણયથી 11 લાખ રેલ કર્મચારીઓને ફાયદો થશે.