નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ ગઈ કાલે અહીં કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક બોલાવવામાં આવી હતી. એમાં મોદીએ એમનું ભાષણ શરૂ કર્યા બાદ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીનાય શરીરનું શુગર લેવલ અચાનક વધી ગયું હતું. એને કારણે એમને અસ્વસ્થતાનો અનુભવ થયો હતો અને તેઓ મોદીનું ભાષણ અને બેઠક અધવચ્ચે છોડીને હોલમાંથી જતા રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ગડકરીને શુગરની આ પ્રકારની તકલીફ નડી હતી. એમને ડાયાબિટીસની બીમારી હોવાથી એમના શરીરમાં શુગરનું પ્રમાણ વધ-ઘટ થયા કરતું હોય છે. બેઠક દરમિયાન પોતે અસ્વસ્થ હોવાનું જણાતાં તેઓ બેઠક પૂરી થવાની 20 મિનિટ પહેલાં તે છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યાંથી એમના સત્તાવાર નિવાસસ્થાને ગયા હતા. ત્યાં જઈને એમણે પોતાની દવા લીધી હતી અને ત્યારપછી એમને સારું જણાયું હતું.
ગયા વર્ષે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક કાર્યક્રમમાં ગડકરી ભાષણ કરતા હતા એ જ વખતે એમને અચાનક ચક્કર આવી ગયા હતા. એમને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરોએ કહ્યું હતું કે ગડકરીના શરીરમાં શુગરનું પ્રમાણ ઘટી જતાં એમને ચક્કર આવ્યા હતા. તે પૂર્વે 2019માં મહારાષ્ટ્રના સોલાપૂરમાં અને 2018માં અહમદનગરમાં એક કાર્યક્રમ વખતે પણ ગડકરીની તબિયત અચાનક બગડી ગઈ હતી.