બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીના મહિલા પટ્ટી ગામમાં ખેડૂત યશપાલે આફતમાં અવસર શોધ્યો છે. MBA કર્યા પછી યશપાલ ખાનગીમાં નોકરી કરતો હતો, પણ કોરોના કાળમાં નોકરી છૂટી ગયા પછી તેણે શોધ ને ટેક્નિકની સાથે ખેતીની રાહ પકડી લીધી. તેની મહેનત રંગ લાવી અને માત્ર સવા વર્ષમાં તેણે નોકરીની તુલનાએ વધુ આવક હાંસલ કરી લીધી. તે સૌનો પ્રેરણા બની ગયો છે.
યશપાલ બરેલીનો પહેલો ડ્રેગન ફ્રૂટ ઉત્પાદક છે. તેની પાસે આશરે પાંચ એકર જમીન હતી, જેમાંથી તે શેરડી, ઘઉં વગેરે પાક લેતો હતો, પણ નીચલો વિસ્તાર હોવાને કારણે વરસાદના સમયે ખેતરમાં પાણી ભરાઈ જતાં હતાં. જેથી તેના ખેતરમાં પાક નષ્ટ થતો હતો. એટલે તેણે ખેતીના એક ભાગને ઊંચો કર્યો, પછી તેમાં તેણ ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી. પહેલાં તેણે સોશિયલ મિડિયાથી ખેતીને લગતી માહિતી એકત્ર કરી. ત્યાર બાદ તેણે હરિયાણાના પાણીપતમાં ડ્રેગન ફ્રૂટ ઉત્પાદક પાસે તાલીમ લીધી.
પ્રારંભમાં તેણે 48 છોડ લગાવ્યા. શિયાળામાં ફંગસનો ડર હતો. તે સતત એક-એક છોડની રોજ નિગરાની કરતો. આ રીતે તેને 15 મહિનામાં 40 કિલો ડ્રેગન ફ્રૂટ પ્રાપ્ત થયા, જે તેણે કિલોદીઠ રૂ. 450થી 500ની કિંમતે વેચાણ કર્યું અને રૂ. 20,000ની આવક પ્રાપ્ત કરી. જે ખર્ચથી સવા ગણી વધુ હતી. પ્રયોગ સફળ રહેતાં તેણે એક એકરમાં એની ખેતી કરી. એના પર તેને રૂ. 10 લાખનો ખર્ચ કર્યો હતો અને આવક રૂ. 20 લાખથી વધુ પ્રાપ્ત કરી.ત્યાર બાદ તેણે અઢી એકરમાં ડ્રેગન ફ્રૂટના છોડ વાવ્યાં. હવે તે 10 એકરમાં નવું ડ્રેગન ફ્રૂટ ફાર્મ તૈયાર કર્યું હતું. યશપાલ કહે છે કે ખેતીમાં સમયની સાથે ટેક્નિકનો ઉપયોગ જરૂરી છે.