મૃત્યુ પૂર્વે ST બસડ્રાઈવરે 25-પ્રવાસીનાં જાન બચાવ્યા

મુંબઈઃ પુણે જિલ્લામાં એક આઘાતજનક ઘટના બની છે. એસ.ટી. બસના એક ડ્રાઈવરને બસ ચલાવતી વખતે અચાનક છાતીમાં દુખવા લાગ્યું હતું. એણે તરત જ બસને રોકીને રસ્તાની એક બાજુએ ઊભી રાખી દીધી હતી. એને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને થોડી જ મિનિટોમાં એનું મૃત્યુ થયું હતું. એ ડ્રાઈવરે મૃત્યુપૂર્વે સાવચેતી રાખીને બસમાં બેઠેલાં 25 પ્રવાસીઓનાં જાન બચાવ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટના પુણે-સાતારા હાઈવે પર બની હતી. મૃતક બસ ડ્રાઈવરનું નામ છે જાલિંદર રંગરાવ પવાર. એ સાતારા જિલ્લાના પળશી ગામનો રહેવાસી હતો.તે ગયા બુધવારે સવારે પાલઘર જિલ્લાના વસઈ શહેરના ડેપોમાંથી બસ લઈને મ્હાસવડ ગામ તરફ જવા રવાના થયો હતો. એમાં ત્યારે 25 જેટલા પ્રવાસીઓ હતા.

બસ પુણે-સાતારા હાઈવે પરના ભોર ગામ નજીક હતી ત્યારે બપોરના લગભગ એક વાગ્યા હતા. ડ્રાઈવરે ટોલનાકાને પણ પાસ કર્યો હતો, પરંતુ એ બસ ધીમી ચલાવી રહ્યો હતો. કંડક્ટરે એ વિશે ડ્રાઈવર પવારને કારણ પણ પૂછ્યું હતું. ત્યારે પવારે કહ્યું કે એને ચક્કર જેવું લાગે છે. ત્યારબાદ તરત જ એણે સાવચેતી ખાતર બસને રસ્તાની એક બાજુએ ઊભી રાખી દીધી હતી. પરંતુ, એની થોડી જ મિનિટો બાદ એ ઢળી પડ્યો હતો. કંડક્ટર પ્રવાસીઓની મદદથી ડ્રાઈવરને નજીકના ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ ડોક્ટરે એને મૃત લાવેલો ઘોષિત કર્યો હતો. તે રસ્તા પર વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. તેથી પવારે જો સતર્કતા વાપરીને બસને સાઈડમાં લીધી ન હોત તો કદાચ મોટી દુર્ઘટના થઈ ગઈ હોત.