નવી દિલ્હીઃ ભારતે સુરક્ષાની સ્થિતિને મજબૂત કરતા નવી મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને (DRDOએ) બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યું છે. મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના તટ પર ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપથી કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે મિસાઇલ બધા માપદંડો પર ખરું ઊતર્યું છે.
મંત્રાલયે કહ્યું હતું કે આ પરીક્ષણ સાત જૂનની રાતે કરવામાં આવ્યું હતું. રડાર, ટેલીમેટ્રી અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ જેવા રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશનને બે ડાઉન-રેન્જ જહાજો સહિત વિવિધ સ્થળો પર ટર્મિનલ પર તહેનાત કરવામાં આવી હતી. જેથી ઉડાનનો ડેટા એકત્ર કરી શકાય.
DRDO અને વરિષ્ઠ અધિકારીઓએ ઓઆ પરીક્ષણ જોયું. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે આ પરીક્ષણ માટે DRDOને અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યાં હતાં. DRDOના અધ્યક્ષ ડો. સમીર વી. કામતે DRDOની રિસર્ચ ટીમોની અને પરીક્ષણમાં સામેલ થનારા અધિકારીઓની પ્રશંસા કરી હતી. આ ટેસ્ટના સફળ થયા પછી સશસ્ત્ર દળોએ આ બેલેસ્ટિક મિસાઇલને સામેલ કરવાનો રસ્તો સાફ થયો હતો.
અગ્નિ પ્રાઇમ મિસાઇલ અંગે
અગ્નિ પ્રાઇમ મિસાઇલ અગ્નિ સિરીઝની નવી જનરેશનની મિસાઇલ છે. આ મિસાઇલનું વજન 11,000 કિલોગ્રામ છે. આ મિસાઇલ 2000 કિલોમીટરના અંતર સુધી કોઈ પણ લક્ષ્યને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. 34.5 ફૂટ લાંબી મિસાઇલ દ્વારા એકસાથે અનેક લક્ષ્ય સાધી શકાય છે.