જામીન-મુક્તિ દરમિયાન મીડિયા સાથે વાત કરતો નહીં: કોર્ટ (ઉમર ખાલિદને)

નવી દિલ્હીઃ અહીંની એક અદાલતે કાર્યકર્તા અને જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટી (જેએનયૂ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદને આદેશ આપ્યો છે કે વચગાળાના જામીન પર છોડવામાં આવ્યો છે એ સમયગાળા દરમિયાન એણે પ્રચારમાધ્યમો સાથે વાતચીત કરવી નહીં કે એમને કોઈ પ્રકારનો ઈન્ટરવ્યૂ આપવો નહીં.

(ફાઈલ તસવીર)

કોર્ટે 2020માં ઈશાન દિલ્હીમાં થયેલા કોમી રમખાણોના કેસના આરોપી ખાલિદને એની બહેનનાં લગ્નમાં હાજરી આપવા માટે જ વચગાળાના જામીન પર છોડ્યો છે. આ છૂટકારો એક અઠવાડિયા પૂરતો છે. એ માટે કોર્ટે અનેક પ્રકારની શરતો રાખી છે, જેનું પાલન કરવાનો ખાલિદને હૂકમ કરાયો છે.

એડિશનલ સેશન્સ જજ અમિતાભ રાવતે કહ્યું છે કે ખાલિદની નાની બહેનનાં લગ્ન સંબંધિત કાર્યક્રમો 26-28 ડિસેમ્બરે નિર્ધારિત છે. કોર્ટે ખાલિદને 23 ડિસેમ્બરથી લઈને સાત દિવસ માટે ખાલિદને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. એણે 30 ડિસેમ્બરે શરણે આવી જવાનું રહેશે. કોર્ટે ખાલિદને રૂ. 25,000ની રકમના પર્સનલ બોન્ડ તથા એટલી જ રકમની બે શ્યોરિટી ઉપર વચગાળાના જામીન મંજૂર કર્યા છે.

નાગરિકતા (સુધારિત) કાયદા (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) સામેના વિરોધ-આંદોલન વખતે દિલ્હીમાં 2020માં થયેલા કોમી રમખાણોમાં 53 જણ માર્યા ગયા હતા અને 700થી વધારે લોકો ઘાયલ થયા હતા. તે રમખાણોના સૂત્રધાર તરીકે ખાલિદને ગણવામાં આવ્યો છે. તેણે અન્ય વ્યક્તિઓ સાથે મળીને રમખાણો કરાવ્યા હોવાનો આરોપ મૂકાયો છે. ખાલિદને આતંકવાદ-વિરોધી કાયદા અનલૉફૂલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) એક્ટ (યૂએપીએ) તથા ભારતીય ફોજદારી કાયદાની કલમો હેઠળ આરોપી જાહેર કરવામાં આવ્યો છે. ખાલિદની 2020ના સપ્ટેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી. એણે રેગ્યૂલર જામીન માટે અનેકવાર અરજીઓ નોંધાવી છે, પણ સેશન્સ કોર્ટે તે નકારી કાઢી છે. માત્ર આ વખતે એની બહેનનાં લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને એને જામીન પર છોડવાનું નક્કી કર્યું છે.