‘યાદવ, મુસલમાનોનું એક કામ ના કરું’: JDU સાંસદનો વિડિયો વાઇરલ

નવી દિલ્હીઃ JDU સાંસદ દેવેશ ચંદ્ર ઠાકુરનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એ વિડિયોમાં યાદવ અને મુસ્લિમ સમાજે તેમને મત નહીં આપતાં તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ સમાજ માટે છેલ્લાં 20 વર્ષોમાં તેમણે ઘણું કામ કર્યું છે, અનેક વિકાસ કાર્ય કર્યા છે, છતાં પણ એ સમાજે તેમને મત નથી આપ્યા.

આ વાઇરલ વિડિયોમાં JDU સાંસદ કહી રહ્યા છે કે હું યાદવ અને મુસ્લિમ સમાજનું કોઈ કામ નહીં કરું. તેઓ આવશે તો તેમને નાસ્તો કરાવીશ, ચા પીવડાવીશ, પરંતુ મદદની તેઓ મારી પાસે અપેક્ષા ના રાખે. આ વખતે તેમણે વગર કારણે તેમને મત નથી આપ્યા. આમ કહેતાં તેઓ એક સમયે ગુસ્સે પણ થયા હતા.

તેમણે યાદવ-મુસ્લિમ સમાજનો ઉલ્લેખ તો કર્યો જ હતો, પરંતુ એ વાત પર પણ તેઓ નારાજ હતા કે આ વખતે સુરી અને કલવાર સમાજના અડધોઅડધ મતો કપાઈ ગયા. આ ઉપરાંત કુશવાહા સમાજના અચાનક મતો ઓછા મળ્યા. તમે વિચારો કુશવાહ સમાજે માત્ર RJDને એટલે મત આપ્યા, કેમ કે લાલુએ એ સમાજના સાત લોકોને ટિકિટ આપી હતી.

JDU સાંસદે સીતામઢીથી ચૂંટણી લડી હતી અને જીત્યા પણ હતા, પરંતુ તેમણે ઓછા મતોની સમીક્ષા કરી તો માલૂમ પડ્યું હતું કે તેમને યાદવ અને મુસ્લિમ સમાજે મતો નહોતા આપ્યા. હવે તેમના આ વિડિયો પર બબાલ થઈ રહી છે. સોશિયલ મિડિયા પર લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.