નવી દિલ્હીઃ આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા મામલે ચાલી રહેલી તપાસથી એવા સંકેતો મળી રહ્યા છે કે, આ એક ટાર્ગેટ કીલિંગ છે એટલે અંકિતને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ માત્ર તોફાનોમાં થયેલા મોતનો મામલો નથી. પોલીસ આખા ઘટનાક્રમને જોડી રહી છે. અંકિત 25 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ ઓફિસથી પાછા આવ્યા હતા અને પોતાના મિત્રો સાથે બહાર ગયા હતા. તેમની સાથે તેમનો મિત્ર કાળુ પણ હતો અને અન્ય કેટલાક લોકો હતા કે જે એકબાજુ ઉભા હતા. ત્યારે બીજીબાજુથી પથ્થરમારો થયો અને અંકિત સામે જ ઉભા હતા. પ્રત્યક્ષદર્શિઓએ પોલીસને જણાવ્યું કે, અંકિતને પથ્થર વાગ્યો અને તેઓ પડી ગયા. બાદમાં બીજી તરફથી ત્રણ-ચાર લોકો આવ્યા અને તેમણે અંકિતને કાબુમાં કરી લીધા. બાદમાં અંકિતને એક ઘરની અંદર લઈ જવામાં આવ્યા. સૂત્રોએ જણાવ્યું કે, અચંબિત કરનારી વાત તો એ છે કે, તેઓ અંકિત સિવાય કોઈને ટચ પણ ન કર્યું.
અંકિતને કોઈ સુમસાન જગ્યાએ લઈ જવામાં આવ્યા અને બાદમાં કોઈને કશી જ ખબર નથી. ત્યાં તેમના કપડા ઉતારી દેવામાં આવ્યા અને ત્યાં તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. તેમના મૃતદેહને એક નાળામાં ફેંકી દેવામાં આવ્યો. બીજા દિવસે તેમનો મૃતદેહ નાળામાંથી મળ્યો, માત્ર અંડરગારમેન્ટ્સ જ હતા. ઘટનાક્રમને જોતા આઈબીનું માનવું છે કે, અંકિતની હત્યા કોઈ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. આઈબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાક્રમ સંકેત આપે છે કે હત્યારાઓ કેટલાક સંદેશ આપવા ઈચ્છતા હતા. અંકિતના શબ પર ઘા ના નિશાન સ્પષ્ટ નથી, તો પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરોએ પોલીસને જણાવ્યું કે, તેના શરીર પર ચપ્પાથી મારવામાં આવેલા ઓછામાં ઓછા 54 ઉંડા ઘા હતા.
તપાસકર્તાઓએ કહ્યું કે, મામલાની તપાસ હવે ટાર્ગેટ કિલીંગને જોઈને પણ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે, સત્ય એ છે કે અંકિતનું અપહરણ થયું અને દૂર લઈ જવામાં આવ્યા. તેમને ઘટના સ્થળ પર ન મારવામાં આવ્યા કે જેણે શંકા પેદા કરી છે. જ્યારે ઘટનાક્રમ સામે આવ્યો ત્યારે આ વાતને બળ મળ્યું છે. મૃતદેહ જે સ્થિતિમાં મળ્યો છે તેનાથી વેરની ભાવના સ્પષ્ટ દેખાય છે. જો કે, એવાત પણ સ્પષ્ટ છે કે ભીડ દ્વારા ક્યારેય કોઈ વ્યક્તિને આ રીતે મારવામાં આવતા નથી.