ભૂતપૂર્વ CM ચંપઈ સોરેન શું ભાજપમાં જોડાયા?

રાંચીઃ ઝારખંડના ભૂતપૂર્વ CM અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના વરિષ્ઠ નેતા ચંપઈ સોરેન ભાજપમાં જોડાયાની ચર્ચા છે. રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચંપઈ સોરેન  CM હેમંત સોરેનથી નારાજ છે. અહેવાલ છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સાથે તેમની બે મુલાકાત થઈ ચૂકી છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ CM ચંપઈ સોરેન અને ભૂતપૂર્વ ધારાસભ્ય લોબિન હેમ્બ્રમ ભાજપમાં સામેલ થતા સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચાને મોટો ઝટકો લાગ્યો છે. ચંપઈ સોરેન આગામી એક-બે દિવસમાં દિલ્હી જવાના છે અને અહીં તેઓ ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના કેટલાક મોટા નેતાઓ સાથે મુલાકાત કરી ભાજપની સભ્યપદ લઈ શકે છે. તેમની સાથે અનેક ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ચંપઈ સોરેનને CM પદેથી હટાવવાને કારણે નારાજ છે. થોડા મહિના પહેલાં CM હેમંત સોરેન  જમીન કૌભાંડમાં જેલમાં ધકેલાયા હતા અને તેમને સ્થાને ચંપઈ સોરેનને રાજ્યની કમાન સોંપવામાં આવી હતી. જોકે જેલમાં પાંચ મહિના રહ્યા બાદ હેમંત 28 જૂને મુક્ત થતાં ચંપઈ સોરેનને CM પદેથી હટાવી પોતે CM થયા હતા ત્યારથી ચંપઈ સોરેન નારાજ હોવાનું કહેવાય છે.

ચંપઈ સોરેન બે ફેબ્રુઆરીથી 3 જુલાઈ 2024 સુધી ઝારખંડના CM રહ્યા હતા. તેમની ગણતરી JMMના વરિષ્ઠ નેતાઓમાં થાય છે. તેઓ સાત વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ 1991માં પ્રથમ વખત સરાયકેલા સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. હેમંત સોરેને 2019માં ચંપાઈ સોરેનને કેબિનેટ મંત્રી પણ બનાવ્યા હતા. તેમને પરિવહન, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણની જવાબદારી સોંપાઈ હતી.ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્યની કુલ 82 વિધાનસભા બેઠકોમાંથી જેએમએમ 27 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે.