ઘનબાદઃ ઝારખંડના ઘનબાદમાં એક કરુણ ઘટના બની છે. કોરોના વાયરસના સંક્રમણે અહીં એક પરિવારને બરબાદ કરી નાંખ્યો છે. પોતાની કોરોનાપીડિત માતાની અર્થીને કાંધ આપનાર તેના દીકરાઓને પણ કોરોના વાયરસે ભરડામાં લઈ લીધા. માતાનાં મોત બાદ એક પછી એક એમ પાંચ દીકરાના મોત થયા છે. છઠ્ઠા દીકરાની સ્થિતિ નાજુક છે. ઘનબાદમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં કુલ 8 જણના મોત થયા છે. આ પૈકી માત્ર એક દર્દીનું મોત ઘનબાદમાં થયું બાકી તમામ લોકોના મોત ઝારખંડ અને બંગાળના અલગ-અલગ શહેરોની હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા છે.અહેવાલ અનુસાર, કોરોના વાયરસના ચેપને કારણે છેલ્લા 15 દિવસની અંદર એક જ પરિવારના 6 સભ્યોના મોત થયા છે. ભારતમાં આવો આ કદાચ પ્રથમ કેસ છે કે જેમાં કોરોના વાયરસના સંક્રમણથી એક જ પરિવારના 6 સભ્યોનાં જાન ગયા છે અને પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ ખરાબ છે.
આ કેસ ઘનબાદના કતરાસ વિસ્તારનો છે. ત્યાં રાની બજાર મોહલ્લામાં રહેનાર એક પરિવારના 6 સભ્યોના મોત કોરોના સંક્રમણના કારણે રાંચીની સ્થિત રિમ્સ હોસ્પિટલમાં મોત થયા છે. ગત 4 જુલાઈના રોજ સૌથી પહેલા 88 વર્ષીય માતાનું નિધન બોકારોના એક નર્સિંગ હોમમાં થયું હતું. એ કોરોના પોઝિટીવ હતાં. ત્યારબાદ તેનાં એક દીકરાનું મોત થયું હતું અને બીજા એક દીકરાએ પણ દમ તોડ્યો હતો. એ પછી રાંચીની રિમ્સ હોસ્પિટલમાં ત્રીજા દીકરાનું અવસાન થયું હતું. ચોથા દીકરાનું અવસાન જમશેદપુરની ટીએમએચ હોસ્પિટલમાં થયું હતું. પાંચમા દીકરાનું મોત ગત સોમવારે રિમ્સ હોસ્પિટલમાં થયું હતું. આમ કોરોનાએ જોતજોતામાં આખા પરિવારને હણી લીધો.
તે વૃદ્ધા ગત જૂન મહિનામાં દિલ્હીથી કતરાસ સ્થિત પોતાનાં ઘરે એક લગ્ન પ્રસંગે આવી હતી. એ દરમિયાન તેની તબિયત ખરાબ થઈ ગઈ.
