40 કિલોની ચાંદીની ઈંટ મૂકીને મોદી કરશે રામમંદિરનું ભૂમિપૂજન

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન આવતી પાંચમી ઓગસ્ટે થશે. આ માટે હિન્દુ સમાજે હર્ષ વ્યક્ત કર્યો છે. મંદિર નિર્માણ માટે લોકોએ દાન કરવાનું શરૂ કર્યું છે. રામ જન્મભૂમિ મંદિરની પ્રથમ ઈંટ મૂકવા માટે 36.4 કિલોગ્રામની ચાંદીની ઈંટ દાન સ્વરૂપે આપવામાં આવી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લખનૌ ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિયેશન તરફથી એ ઈંટ દાન કરવામાં આવી છે. ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રને એસોસિયેશનના અધ્યક્ષ અનુરાગ રસ્તોગીએ ચાંદીની ઈંટ દાન કરી છે.

મંદિર નિર્માણ માટે લોકો પાસેથી સહયોગ મગાશે

રામ મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસે કહ્યું હતું મંદિર નિર્માણ માટે લોકોથી સહકાર માગવામાં આવશે. રામ મંદિરના નિર્માણ માટે લોકોએ દાન કરવાનું પણ શરૂ કરી દીધું છે. પ્રદેશના નાના-મોટા જ્વેલર્સે આ શુભ કામ માટે ચાંદીને અંશરૂપે દાન કર્યું છે.

વડા પ્રધાન મોદી દ્વારા ભૂમિપૂજન

આ સાથે બધાની ઇચ્છા છે કે રામ મંદિર નિર્માણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચાંદીની ઈંટ મંદિરના પાયામાં મૂકવામાં આવે. એટલા માટે આ ચાંદીની ઈંટો દાન કરવામાં આવી છે. જેથી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં વડા પ્રધાન કાર્યાલયને ત્રીજી અથવા પાંચ ઓગસ્ટે ભમિપૂજન કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેના પર વડા પ્રધાને પાંચ ઓગસ્ટ માટે સહમતી આપી છે. જેથી હવે પાંચ ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા આવશે અને બપોરે 12.15 વાગ્યે મંદિરનું ભમિપૂજન કરશે. તેઓ આશરે ત્રણ કલાક અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લગતા કાર્યક્રમમાં હાજર રહેશે. 11 પંડિતોની ટીમ રામ મંદિરનું ભૂમિપૂજન કરાવશે.

શિલાન્યાસ કાર્યક્રમમાં PM સહિત અનેક VVIP હાજર રહેશે

રામ મંદિર નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમમાં વડા પ્રધાન ઉપરાંત લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સંઘપ્રમુખ મોહન ભાગવત, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, અનેક રાજ્યોના રાજ્યપાલો સહિત ટોચના સંતો-ધાર્માચાર્યો, પ્રધાનો, સંઘ-વિહિપના પદાધિકારીઓ સામેલ થશે. આશરે 300 લોકોને આમંત્રણ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  

ભવ્ય રામ મંદિરનું નિર્માણ

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું હતું કે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે. રામ જન્મભૂમિ પર પ્રસ્તાવિત મંદિરનું નિર્માણ 128 ફૂટને બદલે 161 ફૂટ ઊંચું હશે. એમાં ત્રણની જગ્યાએ પાંચ શિખર બનાવવામાં આવશે. આ મંદિરના સ્તંભોની સંખ્યા 212થી વધારીને 318 કરવામાં કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]