નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની એ વાતને જાહેર કરી હતી કે પોતે સ્કૂલના દિવસોમાં ખોલાવેલું બેન્ક એકાઉન્ટ બંધ કરાવવા માટે તે બેન્કના અધિકારીઓ એમને 32 વર્ષ સુધી શોધતા રહ્યા હતા.
અહીં ભારતીય ટપાલ વિભાગની પેમેન્ટ બેન્ક – ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના ઉદઘાટન પ્રસંગે મોદીએ કહ્યું કે દેના બેન્કના અધિકારીઓ પોતાને એટલા માટે શોધતા હતા કે પોતાના એ ખાતામાં પૈસા નહોતા એટલે તેઓ એ બંધ કરાવવા માગતા હતા.
મોદીએ કહ્યું કે, પોતે દેના બેન્કમાં એ ખાતું ‘પિગ્ગી બેન્ક’ યોજના મારફત ખોલાવ્યું હતું.
મોદીએ કહ્યું કે પોતાનું સૌપ્રથમ સક્રિય બેન્ક એકાઉન્ટ પોતે જ્યારે ગુજરાતમાં વિધાનસભ્ય બન્યા તે પછી ખૂલ્યું હતું. એ પહેલાં એમનું કોઈ બેન્ક એકાઉન્ટ જ નહોતું, કારણ કે એમની પાસે પૂરતા પૈસા જ નહોતા.
મોદીએ વધુમાં કહ્યું કે પોતે સ્કૂલમાં ભણતા હતા ત્યારે દેના બેન્કે પિગ્ગી બેન્ક યોજના શરૂ કરી હતી. જે અંતર્ગત વિદ્યાર્થીઓને એક પિગ્ગી બેન્ક આપવામાં આવતી હતી અને એમને માટે બેન્કમાં એક એકાઉન્ટ ખોલાવી આપવામા આવતું હતું. એ લોકોએ મને પણ પિગ્ગી બેન્ક આપી હતી અને મારું પણ ખાતું ખોલ્યું હતું, પણ એ ખાલી જ રહ્યું હતું. બાદમાં હું ગામ છોડીને જતો રહ્યો હતો. ખાતું ચાલુ રહ્યું હતું. બેન્ક અધિકારીઓને દર વર્ષે તે એકાઉન્ટ કેરી ફોરવર્ડ કરવું પડતું હતું. એટલે એકાઉન્ટ બંધ કરાવવા માટે તેઓ મને શોધતા હતા. છેક 32 વર્ષે એમણે મને શોધી કાઢ્યો હતો અને મને કહ્યું કે, પ્લીઝ અહીંયા સહી કરો અમારે તમારું એકાઉન્ટ બંધ કરવાનું છે.
મોદીએ કહ્યું કે, બાદમાં જ્યારે હું વિધાનસભ્ય બન્યો અને પગાર મળતો થયો ત્યારે મારે બેન્કમાં ખાતું ખોલાવવું પડ્યું હતું.