કોલકાતામાં નિર્જન પ્લોટમાં 14 નવજાત શિશુઓનાં મૃતદેહ મળી આવ્યાં

કોલકાતા – દક્ષિણ કોલકાતાના હરિદેવપુર વિસ્તારમાં એક નધણિયાતા કમ્પાઉન્ડમાં સફાઈ કામ શરૂ કરાયું ત્યારે પ્લાસ્ટિકની થેલીઓમાં વીંટાળેલા 14 નવજાત શિશુઓનાં મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. એ મૃતદેહો કોહવાઈ ગયેલી હાલતમાં હતા.

પોલીસના જણાવ્યા મુજબ, હરિદેવપુર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત રાજા રામમોહન રોય સરાની પર ઘાંસ ઉગેલી જમીન પર આજે જ્યારે મજૂરો સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે પ્લાસ્ટિકની થેલીઓમાં વીંટાળેલા મૃતદેહો મળી આવ્યા હતા. અમુક મૃતદેહ સાવ કોહવાઈ ગયા હતા.

પોલીસ અધિકારીએ કહ્યું કે આ મૃતદેહો અહીંયા કોણ મૂકી ગયું હશે એ વિશે અમને હજી સુધી કોઈ કડી હાથ લાગી નથી. સંજોગોનુસારના પુરાવા પરથી એવું જણાય છે કે જમીનને ત્યજી દેવાયેલી હાલતમાં જોઈને કોઈ આ મૃતદેહો ત્યાં નાખી ગયું હશે.

કોલકાતાના મેયર સોવન ચેટરજી અને પોલીસ કમિશનર રાજીવ કુમારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.