નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો હતો અને ઘણા લોકોનો ભોગ લીધો. હવે એ લહેર નબળી પડ્યા બાદ કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ગભરાટ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. કોરોનાની આક્રમક એવી બીજી લહેર માટે કારણરૂપ હોવાનું મનાતો ડેલ્ટા વેરિઅન્ટ સૌથી પહેલા ભારતમાં જ દેખાયો હતો. હવે એમાં મ્યૂટેશન થવાથી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ બન્યો છે અને ત્રણ રાજ્યોમાં એના કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કેરળમાં ડેલ્ટા પ્લસના કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 21 કેસ છે. તેમાં રત્નાગિરીમાં 9, જળગાંવમાં 7 અને મુંબઈમાં બે કેસ છે. જ્યારે પાલઘર, થાણે અને સિંધુદુર્ગમાં એક-એક કેસ નોંધાયો છે. મધ્ય પ્રદેશમાં પાંચ કેસ નોંધાયા છે. એમાંના ચાર દર્દી સાજા થઈ ગયા છે, પણ એકનું મૃત્યુ થયું છે. કેરળના બે જિલ્લા – પલક્કડ અને પથનમથિટ્ટામાં ડેલ્ટા પ્લસના કેસ નોંધાયા છે.