રાષ્ટ્રપતિ ભવનમાં દેખાયેલી હલચલ પર દિલ્હી પોલીસનો ખુલાસો..

નવી દિલ્હી: તારીખ 9 જૂન 2024ના સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદ સત્તા પર આવતાની સાથે PM નરેન્દ્ર મોદીએ મહત્વના કેટલાક નિર્ણય પર હસ્તાક્ષર કર્યા છે. પરંતુ એ વચ્ચે શપથ ગ્રહણ મહોત્સવમાં અજાણી હલચલ જોવા મળી હતી. કેટલાક સૂત્રો પ્રમાણે એ દીપડાનો પડછાયો હોવાનું પણ સામે આવ્યું હતું. જે મામલા પર હવે દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે.

PM મોદીના શપથ સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં દેખાયેલ રહસ્યમય પ્રાણીના વાયરલ વીડિયો વિશે હવે દિલ્હી પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ ખુલાસો કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આ મામલે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

દિલ્હી પોલીસનો ખુલાસો

દિલ્હી પોલીસ ટ્વીટ કરી કહ્યું કે “ કેટલીક મીડિયા ચેનલો અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત શપથ ગ્રહણ સમારોહના જીવંત પ્રસારણ દરમિયાન કેપ્ચર કરાયેલ પ્રાણીની છબી બતાવી રહ્યા છે, અને દાવો કરી રહ્યા છે કે તે જંગલી પ્રાણી છે. આ તથ્યો સાચા નથી, કેમેરામાં કેદ થયેલું પ્રાણી સામાન્ય ઘરની બિલાડી છે.”

આ સાથે દિલ્હી પોલીસે જંગલી પ્રાણી બિલાડી બતાવી અફવાના વંટોળને શાંત કરતા કહ્યું કે આવી અફવા ન ફેલાવવા માટે વિનંતી. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી દેશના ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે. તેમણે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે 72 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ સમારોહમાં દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ, બોલિવૂડ કલાકારો, વેપાર-જગતની હસ્તીઓ સહિત છ હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે સમારોહના એક વાયરલ વીડિયોમાં એવો દાવો કર્યો હતો કે કોઈ એક રહસ્યમય પ્રાણી પણ ત્યાં લટાર મારી રહ્યો હતો. જેના લીધે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા. જોકે હવે ખુદ દિલ્હી પોલીસે આ મામલે ખુલાસો કરી દેતાં તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.