નવી દિલ્હી- ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઈડીની પૂરક ચાર્જશીટ પર વધુ નોંધ લીધી છે. આ કેસમાં સુનાવણી હાથ ધરીને કોર્ટે એરફોર્સના પૂર્વ ચીફ એસ.પી. ત્યાગી સહિત અન્યને સમન્સ રજૂ કર્યું છે.કોર્ટે વાયુસેનાના પૂર્વ પ્રમુખને આગામી 12 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. આપને જણાવી દઈએ કે, પટિયાલા હાઉસ કોર્ટે કાર્લો ગેરોસા અને ગ્વિડો હેશ્કે વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ પણ ઈશ્યૂ કર્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર રિશ્વત કૌભાંડમાં વાયુસેનાના પૂર્વ પ્રમુખ એસ.પી. ત્યાગી, તેમના બે પિતરાઈ ભાઈ, વકીલ ગૌતમ ખૈતાન, બે ઈટાલિયન દલાલ અને ફિનમેકેનિકા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે.
ચાર્જશીટમાં તેમના ઉપર આશરે 2.8 કરોડ યૂરોના મની લોન્ડરિંગનો આરોપ છે. ઇડીએ તેની ચાર્જશીટમાં જણાવ્યું છે કે, આ મની લોન્ડરિંગ અનેક વિદેશી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કથિત રીતે કમિશન આપવા માટે કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, 1 જાન્યુઆરી 2014ના રોજ ભારતે વાયુસેનાને 12 W-101 વીવીઆઈપી હેલિકોપ્ટરની ફાળવણી કરવા માટે ફિનમેકેનિકાની સહયોગી બ્રિટિશ કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડ સાથેનો કરાર રદ્દ કર્યો હતો.