નવી દિલ્હીઃ દિલ્હી હિંસામાં બાદની સ્થિતિને લઈને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે જેમનાં ઘર સળગ્યાં છે, તેમને રૂ. 25-25 હજારની મદદ કરવામાં આવશે. આ સાથે નવ રેનબસેરા અને કોમ્યુનિટી સેન્ટરોમાં બેઘર લોકોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય પ્રધાને કહ્યું કે જો જરૂર પડી ટેન્ટ પણ લગાડવામાં આવશે. સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ ગંભીર રૂપે ઘાયલોની સારવાર કરવામાં આવશે.
નવ રેનબસેરામાં રહેવાની વ્યવસ્થા
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ચાર સબડિવિઝન છે. સામાન્ય રીતે ચાર એસડીએમ હોય છે, પણ પરિસ્થિતિ જોતાં 18 એસડીએમ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ તોફાનગ્રસ્ત લોકોની સાથે સામાન્ય લોકોની વચ્ચે જશે અને તેમની સાથે વાતચીત કરશે. અમે તેમના માટે ભેજન વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ.
દિલ્હી ઉત્તર-પૂર્વના ડીએમ સાથે સંપર્ક કરવો
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે જે લોકોનાં ઘર આંશિક અથવા સંપૂર્ણ રીતે બળી ગયા છે, તેમને શનિવારે બપોર સુધીમાં રૂ. 25,000ની મદદ કરવામાં આવશે. કેજરીવાલે જણાવ્યું હતું કે અનેક જણના ફોન આવી રહ્યા છે કે તેઓ તોફાનપીડિતોની મદદ કરવા ઇચ્છે છે. જો કોઈને કોઈ પ્રકારની મદદ જોઈએ તો તે નોર્થ-ઇસ્ટના ડીએમનો સંપર્ક કરી શકે છે.
આ પહેલાં મુખ્ય પ્રધાને પત્રકાર પરિષદમાં મતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખ વળતર આપવાનું એલાન કર્યું હતું. આ ઉપરાંત ગંભીરરૂપે ઘાયલ લોકોને રૂ. બે-બે લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. કેજરીવાલ સરકારે સામાન્ય ઇજા થઈ હોય તેમને રૂ. 20,000નું વળતર આપવાની જાહેરાત કરી હતી. જે લોકોની દુકાનો બળી ઘઈ તેમને પણ રૂ. પાચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.