આપ સરકારની કન્હૈયાકુમાર સહિત 10 જણ સામે દેશદ્રોહ કેસ ચલાવવાની મંજૂરી

નવી દિલ્હીઃ કેજરીવાલ સરકારે જેએનયુથી દેશદ્રોહ કેસમાં જેએનયુએસયના ભૂતપૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમાર, ઉમર ખાલિદ સહિત 10 આરોપીઓની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ મામલો છેલ્લા એક વર્ષથી દિલ્હી સરકારે લટકાવીને રાખ્યો હતો. ભાજપ આ માટે ઘણા લાંબા સમયથી દિલ્હી સરકાર પર આ વિશે સવાલ ઉઠાવી રહ્યો હતો.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે 19 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે દેશદ્રોહ મામલામાં કન્હૈયાકુમાર  અને અન્યની સામે કેસ ચલાવવા માટે સંબંધિત વિબાગથી ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. કેજરીવાલનું નિવેદન ત્યારે આવ્યું હતું, જ્યારે દિલ્હીની એક કોર્ટે એ દિવસે આપ સરકારને દેશદ્રોહ કેસમાં કેસ ચલાવવા માટેની મંજૂરીને મુદ્દે ત્રીજી એપ્રિલ સુધીમાં સ્ટેટસ દાખલ કરવા કહ્યું હતું. કોર્ટે પોલીસને કહ્યું હતું કે તે સરકારને કેસ ચલાવવાની મંજૂરીની યાદ અપાવે.