શ્રીનગરઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ શનિવારે અમરનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. અહીં ગુફામાં હાજર પૂજારીઓએ રાજનાથ સિંહના હાથે ભગવાન ભોળેનાથનું પૂજન કરાવ્યું હતું. આ દરમિયાન અમરનાથ ગુફા મંત્રોથી ગુંજી ઉઠી હતી. દર્શન બાદ રક્ષામંત્રીએ અમરનાથ ગુફાના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની માહિતી પણ મેળવી હતી. રાજનાથ સિંહની સાથે સીડીએસ બિપિન રાવત અને સેનાધ્યક્ષ પણ હાજર રહ્યાં હતા.
રાજનાથ સિંહ જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર છે. આ પહેલા શુક્રવારે રક્ષામંત્રી લદ્દાખ પહોંચ્યા હતા. તેમણે એલએસી પર તૈનાત સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો અને રાયફલ હાથમાં લઈે તેના વિશે જાણકારી પણ મેળવી હતી. રક્ષામંત્રીએ શુક્રવારે અહીં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં જમ્મૂ-કાશ્મીરની સંપૂર્ણ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. પૂર્વી લદ્દાખના પ્રવાસ બાદ વરિષ્ઠ અધિકારીઓએ રક્ષામંત્રીને પાકિસ્તાન સાથે લાગતી સરહદની સ્થિતિ તથા આતંકવાદ વિરોધી અભિયાનો વિશે જણાવ્યું હતું.
ભારતીય સેના (Indian Army)ને કેટલાક એવા ઇનપુટ્સ મળ્યા છે, જેનાથી તે ખ્યાલ આવે છે કે 21 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા દરમિયાન આતંકીઓ હુમલાની યોજના બનાવી રહ્યાં છે. 21 જુલાઈથી શરૂ થનારી તીર્થયાત્રાની સફળતા માટે આતંકીઓની દરેક યોજનાને નિષ્ફળ કરવા માટે તે વિસ્તારમાં સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે.