નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું હવે ખતરનાક રૂપ ધારણ કરી રહ્યું છે.ખાડીના દક્ષિણ-પૂર્વમાં ઊંડું દબાણ છેલ્લા છ કલાકમાં આઠ કિમીની સ્પીડની સાથે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. IMDનું કહેવું છે કે બંગાળની ખાડીની ઉપરનું દબાણ એક વાવાઝોડું મોચામાં ફેરવાઈ ગયું છે. આજે અડધી રાત્રે ગંભીર ચક્રવાતી તોફાનનું રૂપ લે એવી શક્યતા છે. એને કારણે બંગલાદેશ અને મ્યાનમારમાં પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
IMDના ભુવનેશ્વર રિજનલ સેન્ટરના ડિરેક્ટર એચઆર બિશ્વાસે જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશન દક્ષિણી પૂર્વ બંગાળની ખાડી પર છે. એની મુવમેન્ટ ઉત્તર-પૂર્વ તરફ થવાની સંભાવના છે. બંગાળના સમુદ્ર તટો પર તેજ હવાઓની સાથે વરસાદ વરસશે. આંદામાનમાં ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે અને માછીમારોને સમુદ્રમાં નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.
આ વાવાઝોડું 14 મેએ લેન્ડફોલ થશે. આ વાવાઝોડાને જોતાં પશ્ચિમ બંગાળમાં NDRFની છ ટીમોને તહેનાત કરવામાં આવી છે. આમાંથી ત્રણ ટીમોને પૂર્વ મિદનાપુરના રામનગર એક બ્લાક, રામનગર 2 અને હલ્દિયામાં તહેનાત કરવામાં આવી છે. અને અન્ય ત્રણ ટીમોને દક્ષિણ 24 પરગણાના ગોસાબ કુલતલી અને કાકદ્વીપમાં વધુ બે ટીમોને ઉત્તર પરગણાના હિંગલરાજ અને સંદેશખલીમાં તહેનાત કરવામાં આવી છે.
આ મોચા વાવાઝોડામાં ફેરવાવાથી હવાઓની ઝડપ 130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને એ 100 કિમીની ઝડપથી મ્યાનમારના તટીય કિનારાને પાર કરશે.
