ક્રિપ્ટોકરન્સીના ભ્રામક પ્રચાર સામે મોદીની ચેતવણી

નવી દિલ્હીઃ અનિયંત્રિત ચલણ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અને ભારતમાં તેના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ગઈ કાલે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ એક બેઠક યોજાઈ ગઈ. એમાં એવી સર્વસંમતિ સધાઈ હતી કે ક્રિપ્ટોની અનિયમિત બજાર ભારતમાં યુવાવર્ગને ગેરમાર્ગે ન દોરે, મની લોન્ડરિંગ ગુના ન આચરે અને ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં પૂરા પાડવામાં એનો ઉપયોગ ન થાય એની તકેદારી લેવા માટે કેન્દ્ર સરકારે પ્રગતિશીલ પગલાં લેવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં અમુક જાણીતા ક્રિકેટરો અને ફિલ્મકલાકારો ક્રિપ્ટોકરન્સીનો ભ્રામક પ્રચાર કરે છે. એને કારણે યુવાવ્યક્તિઓ ગેરમાર્ગે દોરાય છે. પીએમ મોદીએ આ મુદ્દે કહ્યું કે જાહેરખબરોના માધ્યમથી યુવાવર્ગને ગેરમાર્ગે દોરવો ન જોઈએ. બેઠકમાં એવી નોંધ લેવામાં આવી હતી કે ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી મોટા મોટા વચનો અને લાલચ આપીને યુવા વ્યક્તિઓ ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થાય છે અને ક્રિપ્ટોકરન્સીનો બિન-પારદર્શી રીતે પ્રચાર કરવામાં આવે છે. ભારત તથા દુનિયાભરના નિષ્ણાતોએ ચેતવણી આપ્યા બાદ કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ, નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે મસલત કર્યા બાદ ગઈ કાલે બેઠક યોજી હતી.