ખતરનાક-નક્સલવાદી મિલિંદ તેલતુંબડેને મહારાષ્ટ્ર પોલીસે ખતમ કર્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં ગઈ કાલે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં 26 ખૂંખાર નક્સલવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યા. એમાં મોસ્ટ વોન્ટેડ માઓવાદી લીડર મિલિંદ તેલતુંબડેનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર પોલીસના એક સિનિયર અધિકારીએ કહ્યું કે અથડામણ ગડચિરોલી જિલ્લાના કોરચી જંગલ વિસ્તારમાં થઈ હતી. બાતમી મળતાં રાજ્ય પોલીસ દળની કમાન્ડો પાંખ C-60 ટીમના જવાનો તે સ્થળે પહોંચી ગયા હતા. નક્સલવાદીઓ અને પોલીસો વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટર ખતમ થયા બાદ પોલીસો શોધખોળ કરતાં 26 નક્સલવાદીઓના મૃતદેહ મળ્યા હતા. એમાંનો એક મિલિંદ તેલતુંબડે પણ હતો. એલ્ગાર પરિષદ-માઓઈસ્ટ સંપર્ક કેસમાં એ વોન્ટેડ આરોપી હતી. એના માથા પર પોલીસે રૂ. 50 લાખનું ઈનામ જાહેર કર્યું હતું. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલે કહ્યું છે કે તેલતુંબડે સહિત 26 નક્સલવાદીઓ માર્યા જતાં મહારાષ્ટ્રમાં નક્સલ આંદોલનની કમર તૂટી ગઈ છે.

ઘટનાસ્થળેથી પાંચ એકે-47 રાઈફલો, 9 સેલ્ફ-લોડિંગ રાઈફલ સહિત અનેક શસ્ત્રો તથા દારુગોળો પણ મળી આવ્યા હતા. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં 20 પુરુષ અને છ મહિલાનો સમાવેશ થાય છે. તેલતુંબડેનો એક પુરુષ બોડીગાર્ડ અને એક મહિલા બોડીગાર્ડ પણ એન્કાઉન્ટરમાં માર્યા ગયાં છે. મિલિંદ તેલતુંબડે ગડચિરોલીના ચળવળકાર અને વિદ્વાન આનંત તેલતુંબડેનો ભાઈ હતો. મિલિંદ મહારાષ્ટ્રમાં હિંસક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. એલ્ગાર પરિષદ-માઓઈસ્ટ સંપર્ક કેસમાં આનંદની ધરપકડ કરાઈ છે. હાલ એ નવી મુંબઈના તળોજાસ્થિત જેલમાં છે.