નવી દિલ્હીઃ દેશમાં શરૂ કરાયેલી રાષ્ટ્રવ્યાપી કોરોના રસીકરણ ઝુંબેશ આવતીકાલ, 1 માર્ચથી બીજા તબક્કામાં જશે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા કોવિડ-19 રસીકરણ ડિલીવરીની પ્રક્રિયા પર સતત દેખરેખ રાખવા માટે Co-WIN ડિજિટલ પ્લેટફોર્મ (એપ)નું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશના વરિષ્ઠ નાગરિકો આ એપ પર એમનું નામ રજિસ્ટર કરાવવા પાત્ર બનશે.
Image courtesy: Wikimedia Commons
રસીકરણના પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓ અને મોખરે રહીને સેવા બજાવનાર કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે સરકાર CoWINને અપગ્રેડ કરશે અને એમાં વરિષ્ઠ નાગરિકોને પણ આવરી લેવામાં આવશે. આરોગ્યકર્મીઓ અને આગળની પંક્તિઓમાં રહેતા કર્મચારી બાદ હવે પ્રાથમિકતાની યાદીમાં જેમનો સમાવેશ કરવામાં આવનાર છે એ લગભગ 27 કરોડ લોકો છે.
Co-WIN પર નામ નોંધાવવા માટે આટલું જાણી લોઃ
- આ તબક્કામાં બે પ્રકારના લોકો લાભાર્થી રહેશે –એક, 60 વર્ષ કે તેથી વધારે ઉંમરવાળા લોકો અને બીજાં, 45થી વધારે વયના લોકો, પણ જે કોમોરબિડિટીવાળા હોય, એટલે કે ડાયાબિટીસ, અસ્થમા, બ્લેડ પ્રેશર, એચઆઈવી, કેન્સર જેવી એકથી વધારે ગંભીર બીમારીઓનો શિકાર બન્યાં હોય. આવી બીમારીથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. તેથી આવા લોકો ચેપનો શિકાર બને છે. કોમોરબિડ વ્યક્તિએ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર પાસેથી સર્ટિફિકેટ લાવવાનું રહેશે.
- નામ નોંધાવવા માટે સરકારે નિશ્ચિત કરેલા કેન્દ્રો ખાતે પણ જઈને લાભાર્થીઓ પોતાનું નામ નોંધાવી શકે છે.
- સરકારી કેન્દ્રોમાં કોરોના રસી મફત હશેઃ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં લાભાર્થીઓને કોરોના રસી મફતમાં મૂકવામાં આવશે જ્યારે ખાનગી કેન્દ્રોમાં પૈસા ચૂકવવા પડશે. તમામ ખાનગી હોસ્પિટલો આવી રસી માટે રૂ. 150 તેમજ રૂ. 100 સર્વિસ ચાર્જ, એમ કુલ રૂ. 250 લેશે. આ રકમ કેન્દ્ર સરકારે જ નક્કી કરી છે.
- નામ નોંધાવવા માટે આમાંથી કોઈ પણ એક ઓળખપત્ર રજૂ કરવું જરૂરી છે – આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ, ચૂંટણી ઓળખપત્ર (વોટર આઈકાર્ડ), જો આધાર કાર્ડ કે વોટર આઈકાર્ડ ન હોય તો ફોટો-આઈડી તરીકે તમારી પાસે શું છે એ દર્શાવવું પડશે.
- સેલ્ફ-રજિસ્ટ્રેશન માટે, CoWIN પોર્ટલ પર જવાનું રહેશે જેની પરથી જે તે વ્યક્તિના લોકેશન અનુસાર રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જાહેર કરાયેલા રસીકરણ કેન્દ્રોમાં અપોઈન્ટમેન્ટ માટે નામ બુક કરાવવાનું રહેશે. તે વ્યક્તિને અપોઈન્ટમેન્ટની તારીખ આપવામાં આવશે.
- CoWIN એપ જીપીએસ-ટેક્નોલોજી આધારિત હશે અને લાભાર્થીને એ વિકલ્પ પસંદ કરવા મળશે કે એને સરકારી કેન્દ્રમાં જઈને રસી મૂકાવવી છે કે ખાનગી કેન્દ્રમાં.
- કેન્દ્રમાં જઈને નામ નોંધાવનારાઓને મદદરુપ થવા ત્યાં સ્વયંસેવકો હાજર હશે.
- કોઈ પણ વ્યક્તિ પોતાના રાજ્યમાં અથવા કોઈ અન્ય રાજ્યમાં પણ રસી લઈ શકશે.
- હાલ હોસ્પિટલોને માત્ર કોવિશીલ્ડ રસી જ મળશે. કોવેક્સિન રસીની અસરકારકતા વિશેને ડેટા હજી ઉપલબ્ધ થયો નથી. જોકે કોવેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને અત્યાર સુધીમાં એ લેનાર કોઈ પણ વ્યક્તિને આડઅસર થઈ નથી.
- 45થી વધુની ઉંમરના અને કોમોરબિડિટીવાળા લોકોએ એમની કોમોરબિડ સ્થિતિ દર્શાવતું તબીબી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. સરકારે હજી તે વિશે શરતો જાહેર કરી નથી.
- લાભાર્થીએ એના મોબાઈલ ફોન નંબર પરથી પોતાનું નામ રજિસ્ટર કરાવવાનું રહેશે. ત્યારબાદ એને એક ઓટીપી નંબર આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારજનનું નામ પણ નોંધાવી શકે છે.
- આરોગ્ય સેતુ કે અન્ય એપ્સ દ્વારા પણ નામ નોંધાવી શકાશે. Co-WIN એપ આરોગ્ય સેતુ કે કોમન સર્વિસ એપ જેવી બીજી એપ્લિકેશન્સમાંથી પણ નામ નોંધી શકે છે અને અપોઈન્ટમેન્ટ આપી શકે છે.