પુણેઃ કોરોના રસીઓની શ્રૃંખલામાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી ‘કોવિશીલ્ડ’ના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં ચેન્નઈના એક 40 વર્ષીય સ્વયંસેવક (વેપારી) ગંભીર રીતે બીમાર પડ્યાના વિવાદ વચ્ચે પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આજે ખાતરી આપી છે કે ‘કોવિશીલ્ડ’ રસી સુરક્ષિત છે અને જ્યાં સુધી એ રોગપ્રતિકારક શક્તિના રક્ષણ માટે સુરક્ષિત સાબિત નહીં થાય ત્યાં સુધી એ લોકોને સામુહિક ધોરણે આપવામાં નહીં આવે.ચેન્નઈના એક સ્વયંસેવકને ટ્રાયલ રસી આપ્યા બાદ થયેલી આડઅસરો અંગે ચિંતા વ્યક્ત કરતાં SII કંપનીએ કહ્યું છે કે કોવિશીલ્ડ રસી સુરક્ષિત અને ઇમ્યુનોજેનિક છે. ચેન્નઇના સ્વયંસેવકની સાથે બનેલી ઘટના ઘણી કમનસીબ છે, પણ એમને થયેલી આડઅસર તે રસીને કારણે થઈ નથી. સીરમ ઈન્સ્ટિટ્યૂટ તે સ્વયંસેવકની તબીબી હાલત પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે અહીં સ્પષ્ટતા કરવા ઇચ્છીએ છીએ કે અમે તમામ રેગ્યુલેટરી અને નૈતિક પ્રક્રિયાઓ તથા દિશા-નિર્દેશોનું સખ્તાઈપૂર્વક પાલન કરીએ છીએ. બધી જરૂરી પ્રક્રિયાઓમાંથી પાસ થઈ ગયા પછી જ રસીનું ટ્રાયલ કરાયું હતું.