તમામ વયના લોકોનું કોરોના રસીકરણ હાલમાં નહીં: કેન્દ્ર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ વધી રહ્યા હોવાથી આ રોગની પ્રતિબંધાત્મક રસીકરણ માટે વયમર્યાદા ઘટાડવાની વધી રહેલી માગણીના પ્રતિસાદમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય એવા લોકોનું રક્ષણ કરવાનો છે જેઓ આ રોગ સામે સૌથી વધારે અસુરક્ષિત છે. અમે એવા લોકોને રસી આપવા નથી માગતા જેઓ તે લેવા ઈચ્છે છે, પરંતુ એવાને આપી રહ્યા છીએ જેમને એની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે 18 વર્ષથી નીચેની વયના તમામ લોકોને રસી આપવાની પરવાનગી આપવી જોઈએ. આવી જ વિનંતી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ પીએમ મોદીને કરી છે, પરંતુ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે હાલને તબક્કે તમામ વયના લોકોને રસી આપવાની પરવાનગી આપવામાં નહીં આવે.