ડોક્ટર બળાત્કાર અને હત્યા કેસમાં ક્રૂરતા આચરાયા પછી ઢાંકપિછોડો?

નવી દિલ્હીઃ કોલકાતા RG કર હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટરની સાથે થયેલા બળાત્કાર અને હત્યા પછી દેશભરમાં આક્રોશ છે. આ ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. દિલ્હી, મુંબઈ, કેરળ, ગુજરાત, UP અને પંજાબ સહિત દેશની હોસ્પિટલોના ડોક્ટર હડતાળ પર છે. તેઓ દોષીઓને સજા અપાવવા અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માગ કરી રહ્યા છે. 31 વર્ષની ડોક્ટરની સાથે થયેલી દુર્ઘટના પર રાજકારણ પણ ખૂબ થઈ રહ્યું છે.

ભાજપ અને ડાબેરી પક્ષોના નિશાના પર CM મમતા બેનરજી છે. આ ઘટના પર મમતા સરકારની વિરુદ્ધ લોકોમાં બહુ નારાજગી અને ગુસ્સો છે. આ કેસમાં મમતા સરકાર અને કોલકાતા પોલીસનું વલણ બેદરકારી ભર્યું રહ્યું છે. જે અનેક સવાલો ઊભા કરે છે. આ કેસમાં પોલીસની ભૂમિકા સંદિગ્ધ રહી છે. જેથી તપાસ CBIને સોંપવામાં આવી છે.

RG કર હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે ઘૃણાસ્પદ કૃત્ય થયું છે, કેમ કે પહેલાં એને આત્મહત્યા કેસ બતાવવામાં આવ્યો. એ પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટે લેડી ડોક્ટરની સાથે બળાત્કાર અને નિર્મમ હત્યાની વાત કહી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ટ્રેની ડોક્ટર સાથે જંગલી જાનવર સાથે વ્યવહાર થયો હોવાનું બહાર આવ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી ડોક્ટરોનું માનવું છે કે લેડી ડોક્ટરની સાથે ઘણી ક્રૂરતા આચરવામાં આવી હતી. જે સમયે ઘટના બની હતી એ સમયે એકથી વધુ લોકો હાજર હોવાની આશંકા છે. ડોક્ટરના શરીર, હોઠ, નાક, ગાળ અને નીચલા જબડા પર ઇજાનાં નિશાન મળ્યાં છે. મહિલાના પ્રાઇવેટ પાર્ટમાંથી 151 ગ્રામ સીમેન મળ્યું છે. ડોક્ટરોનું કહેવું છે કે સીમેન આટલી માત્રા કોઈ એક વ્યક્તિનું ના હોઈ શકે.

પોલીસે અત્યાર સુધી 19 લોકોની ધરપકડ કરી છે, પણ પોલીસ તેમના વિશે વધુ કંઈ જણાવી નથી રહી. જે 5000 લોકોનું ટોળું હોસ્પિટલમાં ધસી આવ્યું હતું -એ કોણ લોકો હતા, એ વિશે પણ પોલીસ ઢાંકપિછોડો કરી રહી છે. વળી કોલકાતા હાઇકોર્ટની ટિપ્પણી પણ સવાલો ઊભા કરે છે. કોર્ટે સવાલ કર્યો હતો કે હોસ્પિટલમાં ડોક્ટરનું મોત થયું તો એની ફરિયાદ કેમ ના કરવામાં આવી? એ શંકા ઊપજાવે છે.