બજરંગ દળ મામલે મલ્લિકાર્જુન ખડગેને કોર્ટના સમન્સ

નવી દિલ્હીઃ પંજાબના સંગરુરની એક જિલ્લા કોર્ટે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમન્સ જારી કર્યા છે. ખડગે પર હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિન્દના સંસ્થાપક હિતેશ ભારદ્વાજે રૂ. 100 કરોજનો માનહાનિનો કેસ કર્યો છે. સંઘથી સંબંધિત વિશ્વ હિન્દુ પરિષદની યુવા શાખા બજરંગ દળના પ્રમુખનો આરોપ છે કે પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ની સાથે બજરંગ દળની તુલના કરીને સંગઠનની છબિને નુકસાન પહોંચાડ્યું છે.

અરજીકર્તાએ કહ્યું હતું કે હાલમાં પૂરી થયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઘોષણાપત્રમાં બજરંગ દળની તુલના સિમી અને અલ કાયદા જેવાં રાષ્ટ્ર વિરોધી સંગઠનોથી કરી હતી. આ મામલામાં સિવિલ જજ (સિનિયર ડિવિઝન) રમણદીપ કૌરની કોર્ટે ખડગેને 10 જુલાઈએ હાજર થવાનું ફરમાન કર્યું છે. કોંગ્રેસાધ્યક્ષની સામે માનહાનિ કરનારા ભારદ્વાજે કહ્યું હતું કે કોંગ્રેસના ઘોષણાપત્રના પેજ નંબર 10 પર કોંગ્રેસે બજરંગ દળની તુલના દેશદ્રોહી સંગઠનો સાથે કરી છે અને ચૂંટણી જીતવા પર એને પ્રતિબંધિત કરવાનું વચન આપ્યું છે. જેથી હું ગુરુવારે કોર્ટમાં ગયો હતો.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે સત્તા પર આવ્યા પછી પક્ષ બજરંગ દળ અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવશે. આ મુદ્દે ચૂંટણીમાં રાજકીય નિવેદનબાજી પણ થઈ હતી. ભાજપે એને સીધી બજરંગ બલીના અપમાનથી જોડ્યું હતું. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ બજરંગ બલીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.