સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર. શાહ વિદાય સમારંભમાં રડી પડ્યા

નવી દિલ્હીઃ દેશની સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠતાની દ્રષ્ટિએ ચોથા નંબરે આવતા ન્યાયમૂર્તિ એમ.આર. શાહ આજે નિવૃત્ત થયા. આજે કોર્ટમાં એમના માનમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કારકિર્દીના આજે આખરી દિવસે જસ્ટિસ શાહ કોર્ટરૂમમાં ભાવૂક થઈ ગયા હતા. આંખોમાં આંસુ સાથે એમણે કહ્યું હતું, ‘હું નિવૃત્ત થાઉં એમાંનો નથી. હું જીવનમાં નવી ઈનિંગ્ઝ શરૂ કરીશ.’

જસ્ટિસ એમ.આર. શાહને આજે પરંપરાગત રીતે વિદાયમાન કરવામાં આવ્યા હતા. તે બેન્ચનું પ્રમુખપદ દેશના વડા ન્યાયમૂર્તિ ડી.વાઈ. ચંદ્રચુડે સંભાળ્યું હતું. જસ્ટિસ શાહે વિદાયવેળાનું સંબોધન કર્યું હતું અને તેના અંતભાગમાં તેઓ રડી પડ્યા હતા. એમની આંખોમાં આંસુ આવી ગયા હતા. એમણે કહ્યું, હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મને જીવનની નવી ઈનિંગ્ઝ રમવા માટે શક્તિ, હિંમત અને તંદુરસ્તી આપે. જતી વખતે હું રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ના એ લોકપ્રિય ગીતની કડીઓને યાદ કરીશ: ‘કલ ખેલ મેં હમ હો ન હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા… જીના યહાં, મરના યહાં.’ એમ બોલતાં તેઓ રડી પડ્યા હતા.

જસ્ટિસ એમ.આર. શાહને 2018ની બીજી નવેમ્બરે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમની નિવૃત્તિ સાથે, સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ઘટીને 32 થઈ ગઈ છે, જેમાં વડા ન્યાયમૂર્તિનો પણ સમાવેશ થાય છે.

જસ્ટિસ મુકેશ રસીકભાઈ શાહનો જન્મ 1958ની 16 મેએ થયો હતો. તેઓ 1982ની 19 જુલાઈએ એડવોકે તરીકે પ્રવેશ પામ્યા હતા. એમણે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ જમીન, બંધારણીય તેમજ શિક્ષણની બાબતોમાં વિશેષજ્ઞ હતા. 2004ની 7 માર્ચે એમને ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2005ની 22 જૂને કાયમી જજ તરીકે નિયુક્ત કરાયા હતા. 2018ની 12 ઓગસ્ટે તેઓ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારબાદ 2018ની 2 નવેમ્બરે એમની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી કરવામાં આવી હતી. તેઓ આજે 15 મેએ નિવૃત્ત થયા છે.