કોર્ટે સંજય રાઉતને 15 દિવસની જેલની સજા સંભળાવી

મુંબઈઃ મુંબઈની શિવડી કોર્ટે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતને માનહાનિ કેસમાં દોષી ઠેરવ્યા છે. કોર્ટે રાઉતને 15 દિવસ જેલની સજા સંભળાવી છે. એ સાથે તેમના પર રૂ. 25,000નો દંડ પણ ફટકાર્યો છે.

ભાજપ નેતા કિરીટ સોમૈયાનાં પત્ની મેધા સોમૈયાએ તેમની સામે માનહાનિનો કેસ કર્યો હતો. મેધાએ તેમના પર રૂ. 100 કરોડના માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. મેધાની અરજી પર કોર્ટ સુનાવણી કરી હતી. કોર્ટે રાઉતની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં શિવસેના સાંસદ દોષી માલૂમ પડ્યા હતા.  જેના પર મેટ્રોપોલિટન કોર્ટ મઝગાંવના મેજિસ્ટ્રેટે ચુકાદો આપતાં સંજય રાઉતને દોષિત ઠેરવતાં 15 દિવસ કેદ અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

શું હતો મામલો?

ગત વર્ષે ભાજપના નેતા કિરીટ સોમૈયા અને તેમનાં પત્નીએ કોર્ટમાં અપીલ કરીને સંજય રાઉત સામે માનહાનિનો દાવો કર્યો હતો. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂક્યો હતો કે મુંબઈના મીરા ભાયંદર વિસ્તારમાં પબ્લિક ટોઈલેટના નિર્માણ અને સારસંભાળ માટે 100 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપો તદ્દન ખોટા છે. તે સમયે તેમણે સંજય રાઉત સામે કેસ નોંધવાની માગ કરી હતી અને તેમને આરોપી બનાવ્યા હતા. તેમની સામે IPCની કલમ 499 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. જોકે રાઉતના આરોપોને મેધાએ ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે તેમના પર લગાવવામાં આરોપો પાયાવિહોણા છે.

જોકે ફરિયાદમાં મેધાએ સ્વીકાર્યું હતું કે રાઉત મરાઠી ન્યૂઝપેપર સામનાના એક્ઝિક્યૂટિવ એડિટર છે અને ઉદ્ધવની શિવસેનાના મુખ્ય પ્રવક્તા પણ છે. કિરીટ સોમૈયાની પત્નીએ આરોપ મૂક્યો હતો કે 15 એપ્રિલ 2022એ તેમની વિરુદ્ધ માનહાનિ કરતાં નિવેદનો છાપવામાં આવ્યા હતા. જે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયા દ્વારા ફેલાવાયાં હતાં.