કતારમાં કોર્ટે આઠ ભારતીયોની મોતની સજા ફેરવી

નવી દિલ્હીઃ કતારમાં ફાંસીની સજા પામેલા નેવીના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મોટી રાહત મળી છે. કોર્ટે તમામ આઠ લોકોની પાંસીની સજા અટકાવી દીધી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત તરફથી કતારની કોર્ટમાં અરજી દાખલ કરી હતી.  સંપર્ક કર્યો છે. કોર્ટે 26 ઓક્ટોબરે નેવીના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી હતી. હવે ફાંસીની સજા કારાવાસમાં બદલવાની આશા વધી ગઈ છે. અપેક્ષા છે કે વર્ષ 2015માં સમજૂતી મુજબ આઠ ભારતીયોને ભારતમાં સજા પૂરી કરવાનો વિકલ્પ પણ મળી જાય.

કતારમાં જે આઠ ભૂતપૂર્વ નેવીના અધિકારીઓને મોતની સજા સંભાળવવામાં આવી હતી, તેમનાં નામ- કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ ગોપાકુમાર સહિતના જવાનોનો સમાવેશ થાય છે.

ભારતીય નૌકાદળના આ તમામ આઠ ભૂતપૂર્વ અધિકારીઓ ગયા વર્ષના ઓગસ્ટથી કતારની જેલમાં છે. કતારે હજુ સુધી આ તમામ પૂર્વ અધિકારીઓ પર લાગેલા આરોપો અંગે માહિતી આપી નથી. જોકે આ મામલાની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે આ તમામ પર જાસૂસીનો આરોપ છે.

આ તમામ લોકો કતારની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતારી એમિરી નેવીને તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે. અહેવાલ અનુસાર કંપનીનું નામ દહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ છે. કંપની પોતાને કતાર સંરક્ષણ, સુરક્ષા અને અન્ય સરકારી એજન્સીઓના સ્થાનિક ભાગીદાર તરીકે વર્ણવે છે. રોયલ ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામીસ અલ અજમી આ કંપનીના CEO છે.