નવી દિલ્હીઃ જ્યારથી મે મહિનો શરુ થયો છે ત્યારથી દેશમાં કોરોના વાયરસના કોસોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ હવે દિલ્હીમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને લઈને ચિંતામાં વધારો થયો છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, દેશમાં ઉનાળો બેસતાં ગરમી વધશે તો કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ આવું કશું જ થયું નથી અને કેસોમાં વધારો જોવા મળ્યો છે. હવે દિલ્હીની ‘એઈમ્સ’ સંસ્થાના ડિરેક્ટર રણદીપ ગુલેરીયાએ કહ્યું છે કે, મે મહિનામાં કેસો વધી રહ્યા છે અને જૂનમાં આ રોગચાળો ચરમ સીમાએ પહોંચી શકે છે.
તેમનું કહેવું છે કે, લોકડાઉનને લઈને કોવિડ-19 ના પોઝિટિવ કેસોમાં ઘટાડો જરુર નોંધાયો છે પરંતુ હજી પણ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
ભારતમાં અત્યાર સુધીમાં 52,000 થી વધારે લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, જૂન મહિનામાં કોરોના વાયરસના કેસો સૌથી વધારે થવાની શક્યતા છે.
અહીંયા પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું સરકાર 17 મે બાદ પણ લોકડાઉન લંબાવશે? હકીકતમાં, કોરોના વાયરસના કેસો અત્યારે જે ગતીથી વધી રહ્યા તે જોતા જો લોકડાઉન હટાવી લેવામાં આવશે તો ડર એ વાતનો છે કે આ કેસોમાં વધારો થઈ શકે છે.
ગુલેરિયાએ નિવેદનમાં કહ્યું કે, જે પ્રકારે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે તે જોતા જૂન મહિનામાં કોરોના વાયરસના કેસો ચરમસીમા પર હશે. એવું બિલકુલ નથી કે આ બીમારી એકવારમાં ખતમ થઈ જશે. આપણે કોરોના સાથે જ જીવવું પડશે. ધીમે-ધીમે કોરોના વાયરસના કેસો ઘટતા જશે. તેમણે કહ્યું કે, લોકડાઉનના કારણે આ આંકડા હજી ઓછા છે નહીતર કોરોનાના કેસો ખૂબ વધી જાત. હોસ્પિટલોએ લોકડાઉનની પોતાની તૈયારી કરી લીધી છે. ડોક્ટર્સને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. પીપીઈ કીટ્સ, વેન્ટિલેટર, અને જરુરી મેડિકલ ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના તબીબી પરીક્ષણમાં પણ વધારો થયો છે.