દેશમાં કોરોનાના નવા 4213 કેસો નોંધાયા; સૌથી મોટો ઉછાળો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા સતત અને ગતિપૂર્વક વધી રહી છે. કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા વધીને 67,152નો થયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 2206 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં આ વાઇરસના 4213 નવા કેસ નોંધાયા હતા, જે 24 કલાકમાં નવા કેસોનો અત્યાર સુધી સૌથી મોટો ઉછાળો છે. આ પહેલાં સૌથી વધુ ઉછાળો 3900નો હતો. છેલ્લા 24 કલાકમાં 97 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 20,917 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

PM-CMsની વિડિયો-કોન્ફરન્સ

કોરોના વાઇરસને ધ્યાનમાં રાખતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર બધાં રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સ કરશે. આ વિડિયો કોન્ફરન્સ આજે બપોરે ત્રણ કલાકે યોજાવાની છે. કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉન દરમ્યાન મુખ્ય પ્રધાનો સાથે વડા પ્રધાન મોદીની આ પાંચમી બેઠક હશે. આ બેઠકમાં બધા મુખ્ય પ્રધાનોને બોલવાની તક મળશે, પોતાના સૂચનો આપવાની તક મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીની આ સૌથી લાંબી બેઠક હશે, કેમ કે આ દરમ્યાન વડા પ્રધાન બધા મુખ્ય પ્રધાનોની વાત પણ સાંભળશે. લોકડાઉન બાદના સમયગાળામાં દેશના વિવિધ રાજ્યોમાં આર્થિક પ્રવૃત્તિઓ કેવી રીતે શરૂ કરવામાં આવે અને કઈ રાહત આપવામાં આવે એની પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં સૌથી વધુ દર્દીઓની સંખ્યાવાળાં રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત રહેશે.

દેશમાં કોરોના વાઇરસના કેસોની રાજ્યવાર સ્થિતિ આ મુજબ છે.