લોકસભા સત્રમાં રાહુલ ગાંધીનાં નિવેદનો પર બબાલ

નવી દિલ્હીઃ સંસદ સત્ર દરમ્યાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનાં નિવેદનો પર ભારે બબાલ થઈ છે. રાહુલ ગાંધીના ભાષણની વચ્ચે PM મોદી બે વાર અને ગૃહપ્રધાન અમિત શાહ પણ બે વાર ઊભા થયા હતા. PM મોદીએ ગાંધીના હિન્દુત્વ પર આપેલાં નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો તો શાહે વિવિધ વિષયો પર વાંધા ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ સમાજને લઈને ભગવાન શિવનો એક ફોટો બતાવતાં કહ્યું હતું કે જુઓ આ ફોટો ત્રિશૂલ જમીનમાં છે અને તેઓ અહિંસાની વાત કરે છે. જે લોકો પોતાને હિન્દુ કહે છે, તેઓ 24 કલાક હિંસા- હિંસા, નફરત-નફરત અને અસત્ય-અસત્ય… તમે (ભાજપના સાંસદો તરફ ઇશારો કરતાં) હિન્દુ હોઈ જ ના શકે, એમ ગાંધીએ કહ્યું, ત્યારે PM મોદીએ વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે આ વિષય બહ ગંભીર છે. હિંદુ સમાજને હિંસક કહેવો એ ગંભીર વિષય છે. કોંગ્રેસ નેતાના એક નિવેદન પર તેમણે કહ્યું હતું કે લોકતંત્ર અને બંધારણે મને શીખવ્યું છે કે મારે વિપક્ષના નેતાને ગંભીરતાથી લેવા જોઈએ.

ત્યાર બાદ ગાંધીએ મોદીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ભાજપ અને મોદી હિન્દુ સમાજ નથી. તેમણે PMના આરોપોને ફગાવતાં કહ્યું હતું કે મોદીજી પૂરો હિન્દુ સમાજ નથી, RSS પૂરો હિન્દુ સમાજ નથી.

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ બધા હિન્દુઓને હિંસક બતાવતાં નિવેદનો માટે માફી માગવી જોઈએ. તેમણે સવાલ કર્યો હતો કે કરોડો લોકો હિન્દુ હોવા પર ગર્વ કરે છે તો શું રાહુલ ગાંધી વિચારે છે કે તેઓ બધા હિંસક છે?