ચંડીગઢઃ પંજાબમાં ભગવંત સિંહના મુખ્ય પ્રધાનપદના શપથ લીધાને માંડ ત્રણ દિવસ થયા છે અને તેઓ વિવાદમાં આવી ગયા છે. મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માનની ઓફિસમાં શહીદ ભગત સિંહના ફોટોને લઈને આ વિવાદ શરૂ થયો છે. પીળા રંગ (વાસંતી રંગ)ની પાઘડીમાં ભગત સિંહના આ ફોટોને લઈને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. આ ફોટાની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
ભગત સિંહના પરિવારના જણાવ્યા મુજબ તેમના વિજયનું મહત્ત્વ છે, ના કે ફોટોમાં તેમની પાઘડીનો રંગ. પંજાબના CM ભગવંત માન શહીદ સિંહને આદર્શ માને છે. તેમનું કહેવું હતું કે તેઓ એવું પંજાબ બનાવવા ઇચ્છે છે, જેનું સપનું ભગત સિંહે જોયું હતું. તેમનો શપથગ્રહણ સમારોહ પણ શહીદ ભગત સિંહના ગામ ખટકંડકલાંમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
સંશોધનકર્તાઓના જણાવ્યા મુજબ CM ઓફિસમાંમ લગાવવામાં આવેલો ભગત સિંહનો ફોટો પ્રામાણિક નથી, બલકે માત્ર એક કલ્પના છે. દિલ્હીના ભગત સિંહ સિસોર્સ સેન્ટરના માનદ્ સલાહકાર અને સ્વતંત્રતાસેનાની પર કેટલાંય પુસ્તકો લખી ચૂકેલા ચમન લાલ કહે છે કે અમે કેટલીય વાર સ્પષ્ટતા કરી છે કે ભગત સિંહે ક્યારેય વાંસતી અથવા કેસરી પાઘડી નથી પહેરી એ બધું એક કલ્પના છે.
તેમનું કહેવું હતું કે અમારી પાસે ભગત સિંહના માત્ર ચાર ઓરિજિનલ ફોટો છે. એક ફોટોમાં તેઓ જેલમાં ખુલ્લા વાળ રાખેને બેઠા છે, બીજામાં તેમણે ટોપી પહેરેલી છે અને અન્ય બે ફોટામાં ભગત સિંહ સફેદ પાઘડીમાં દેખાઈ રહ્યા છે.