નવી દિલ્હીઃ સિંધુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતોના પ્રદર્શન સ્થળ પાસે એક યુવકનો મૃતદેહ મળ્યા પછી ખળભળાટ મચી ગયો છે. આ મૃતદેહનો હાથ કાપીને બેરિકેડમાં લટકાવી દેવામાં આવ્યો હતો. આ મૃતદેહ મળ્યા પછી સિંધુ બોર્ડર પર હંગામો શરૂ થયો છે. મૃતદેહને જોતાં માલૂમ પડે છે કે તેની સાથે ઘાતકીપણું આચરવામાં આવ્યું છે. માર્યા ગયેલા યુવક પર ધાર્મિક ગ્રંથથી છેડછાડનો આરોપ લાગ્યો છે. યુવકને મારવાનો આરોપ નિહંગોના એક જૂથ પર લગાડવામાં આવ્યો છે.
ખેડૂત આંદોલનકારીઓના મંચ પાસે યુવકની નિર્મમ હત્યાના મામલે નિતનવા ખુલાસા થયા છે. મૃતકની ઓળખ લખીબર સિંહ તરીકે થઈ છે. તેની વય 35-36 વર્ષ બતાવવામાં આવી છે. તે પંજાબના તરનતારન જિલ્લાના ચીમા ખુર્દનો રહેવાસી હતો.
આ હત્યાના મામલે સંયુક્ત કિસાન મોરચા દ્વારા નિવેદન જારી કરતાં સ્પષ્ટતાં કરવામાં આવી છે કે આ ઘટનાના બંને પક્ષો સાથે સંયુક્ત કિસાન મોરચા સાથે કોઈ સંબંધ નથી. કિસાન મોરચાએ માગ કરી છે કે દોષીઓને કાયદા મુજબ સજા આપવામાં આવે.
સંયુક્ત કિસાન મોરચાએ નિવેદનમાં કહ્યું હતું કે પંજાબની એક વ્યક્તિના અંગ-ભંગ કરીને એની હત્યા કરવામાં આવી છે. આ ઘટના માટે એક નિહંગ ગ્રુપે જવાબદારી લીધી છે અને એ કહ્યું છે કે એ વ્યક્તિ દ્વારા સરબલોહ ગ્રંથથી છેડછાડ કરવાના પ્રયાસને કારણે કરવામાં આવતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક એ ગ્રુપ સાથે છેલ્લા કેટલાક સમયથી સાથે હતો.