LPG સિલિન્ડરથી કાલિન્દી એક્સપ્રેસને ઉડાડવાનું ષડયંત્ર

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને લઈને એક મોટા કાવતરાનો પર્દાફાશ થયું છે. અહીં મુંઢેરી ક્રોસિંગની પાસે રેલવે ટ્રેકની વચ્ચોવચ ગેસ સિલિન્ડર મૂકવામાં આવ્યું હતું. જેની સાથે ટ્રેન  અથડાઈ હતી. પોલીસને પાટાની બાજુમાંથી સિલિન્ડર મળી આવ્યું છે,  ટક્કર પછી ગેસ સિલિન્ડર ઊછળીને દૂર પડ્યું હતું, એટલે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આ ઘટના બન્યા પછી સવાલ ઊભા થયા હતા કે એ ટ્રેન ઉડાડવાનું ષડયંત્ર તો નહોતુંને? પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આ મામલે FIR દાખલ કરવામાં આવી છે અને પોલીસે પૂછપરછ માટે બે લોકોની અટકાયત કરી છે. આ કેસની તપાસ માટે છ ટીમ બનાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ સ્થળ પરથી જ્વલનશીલ પ્રવાહી ભરેલી કાચની બોટલ મળી આવી હતી, એક મીઠાઈનો ડબ્બો પણ મળી આવ્યો હતો.

છેલ્લા એક મહિનામાં ઉત્તર પ્રદેશમાં ટ્રેન ઉથલાવી પડવાના પ્રયાસની આ બીજી ઘટના છે. ગયા મહિને 17 ઓગસ્ટે કાનપુર નજીક પણ વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસના 22 જેટલા ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે એન્જિન પાટા પર રાખેલા એક ભારે ઓબ્જેક્ટ સાથે અથડાયું હતું.

આ ટ્રેનના પાટા પર કોઈ વસ્તુ ટકરાવાની એકલી ઘટના નથી. રાજસ્થાન અને અન્ય જગ્યાએ પણ આવી ઘટનાઓ સામે આવી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ટ્રેન પાટા પરથી હાલની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના કેટલાક સ્લીપર સેલ આ હુમલાઓ કરી રહ્યા છે.