કોંગ્રેસી કાર્યકર્તાઓનો સૂત્રોચ્ચારઃ ચિદંબરમ ‘ગો બેક’

કોલકાતાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદંબરમને પશ્ચિમ બંગાળની હાઇકોર્ટમાં કોંગ્રેસ સમર્થક વકીલોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વકીલોએ તેમની સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમને કાળા કપડાં દેખાડવામાં આવ્યાં હતાં. તેમને TMCના હમદર્દ બતાવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં પાર્ટીના ખરાબ દેખાવ માટે ચિદંબરમને જવાબદાર ગણાવ્યા હતા.  

વાસ્તવમાં તેઓ પોતાની પાર્ટી કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની સામે કોર્ટમાં પહોંચ્યા હતા. ચિદંબરમ ખાનગી કંપની તરફથી અધીર રંજન ચૌધરીની સામેના વકીલ છે. તેઓ તૃણમૂલ સરકારના બચાવમાં ઊતર્યા છે. અધીર રંજન ચૌધરીએ તૃણમૂલ કોંગ્રેસની સરકાર પર આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારે એગ્રો ફર્મ કેવેન્ટરની સાથે મળીને મેટ્રો ડેરીના શેર ઘણી ઓછી કિંમતે વેચી નાખ્યા છે. જે પછી સિંગાપુરની એક મોટી કંપનીને ઊંચી કિંમતે વેચવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર દ્વારા વેચવામાં આવેલા શેરમાં કૌભાંડ થયું છે.

વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે કોંગ્રેસી કાર્યકર્તા TMCની સામે લડી રહ્યા છે, ત્યારે એક ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને મોટા નેતા થોડાક નાણાં માટે અમારા વિરોધીઓમાં માટે કેસ લડી રહ્યા છે. આવા નેતાઓ જ કોંગ્રેસ ડુબાડી રહ્યા છે.

વર્ષ 2021ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં એક પણ સીટ નહોતી જીતી શકી અને એનો વોટ શેર 2016ની તુલનાએ નવ ટકા ઘટી ગયો હતો, જ્યારે મમતા બેનરજીની TMC આશરે 48 ટકા વોટના શેરની સાથે 215થી વધુ સીટ જીતીને ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી.