BJPના પદાધિકારીઓની ચૂંટણી વ્યૂહરચના ઘડવા 20-21 મેએ બેઠક

નવી દિલ્હીઃ કોંગ્રેસની ચિંતન શિબિર પછી ભાજપ પણ રાજસ્થાનમાં પક્ષના પદાધિકારીઓની બેઠક કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં વ્યૂહરચના ઘડી કાઢવા માટે ભાજપે 20-21 મેએ જયપુરમાં પક્ષના પદાધિકારીઓની બેઠક આયોજિત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે. આ બેઠકની અધ્યક્ષતા ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા કરશે. આ બેઠકના પહેલા દિવસે બધા રાષ્ટ્રીય પદાધિકારીઓની સાથે રાજ્યોના પાર્ટી અધ્યક્ષ, પ્રભારી અને સંગઠનના મહામંત્રી હાજર રહેશે, જ્યારે બીજા દિવસે સંગઠનના મહા સચિવોની સાથે અલગથી બેઠક થશે, એમ સૂત્રોએ કહ્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ અરુણ સિંહે બધાં રાજ્યોના પાર્ટીના અધ્યક્ષોને પત્ર લખીને પોતાને ત્યાંની કામગીરીનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે. પાર્ટીના પદાધિકારીઓની બેઠકની ઘોષણાથી આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ –બેને માટે રાજસ્થાનનું મહત્ત્વ વધી ગયું છે.

આ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ અને આગામી વર્ષે કર્ણાટકમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીધી ટક્કર છે. આગામી વર્ષના અંત સુધીમાં રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. આમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે.  આ સાથે કોંગ્રેસ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની સામે મુખ્ય હરીફના રૂપમાં રજૂ થવા ધારે છે.