ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સેવા દળ દ્વારા વહેંચવામાં આવેલા એક પુસ્તકને લઈને વિવાદ થયો છે. આ પુસ્તક વીર સાવરકર પર છે. “વીર સાવરકર કિતને વીર” આ પ્રકારે તેનું ટાઈટલ છે. ભોપાલમાં આયોજિત કરવામાં આવેલા 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પમાં આ પુસ્તક વહેંચવામાં આવ્યું હતું. આમાં મહાત્મા ગાંધીની હત્યા, નાથૂરામ ગોડસે અને વીડી સાવરકરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે નાથૂરામ ગોડસે અને વીર સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધો હતા.
વીર સાવરકર કીતને વિર નામના પુસ્તકમાં ઘણા પુસ્તકોના આધારે દાવાઓ કરવામાં આવ્યા છે. ડોમિનિક લૈપિએર અને લૈરી કોલિનની પુસ્તક ફ્રીડમ એટ મિડનાઈટનો ઉલ્લેખ કરતા આમાં લખવામાં આવ્યું છે કે, બ્રહ્મચર્ય ધારણ કરતા પહેલા નાથૂરામ ગોડસેના એક જ શારીરિક સંબંધની વિગત મળે છે. આ સમલૈંગિક સંબંધ હતા. તેમના પાર્ટનર હતા તેમના રાજનૈતિક ગુરુ વીર સાવરકર. સાવરકર અલ્પસંખ્યક મહિલાઓ સાથે બળાત્કાર કરવા માટે લોકોને ઉશ્કેરતા હતા.
પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે જ્યારે તેઓ 12 વર્ષના હતા ત્યારે તેમણે મસ્જિદ પર પથ્થર ફેક્યા હતા અને ત્યાંની ટાઈલ્સ તોડી નાંખી હતી. પુસ્તકના 14મા પાને સવાલ છે કે, શું સાવરકરે હિંદુઓને અલ્પસંખ્યક મહિલાઓ સાથે બળાત્કાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા? આના જવાબમાં લખવામાં આવ્યું છે, કે આ સાચુ છે. સાવરકરે બળાત્કારને એક ન્યાયસંગત રાજનૈતિક હથિયાર ગણાવ્યું હતું. પોતાના પુસ્તક “સિક્સ ગ્લોરિયરસ એક્સપોઝ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી” માં જાનવરોની વ્યવહારિક પ્રવૃત્તિને જોડતા સાવરકરે વ્યાખ્યા કરી કે કેવી રીતે દરેક જાનવર પોતાના અસ્તિત્વને બચાવી રાખવા માટે પોતાની સંખ્યા વધારે છે.
એક અન્ય પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે સંઘ શરુઆતથી જ ફાંસીવાદ અને નાજીવાદથી પ્રેરણા લે છે. જેવી રીતે હિટલરે યહૂદિઓ સાથે કર્યું આરએસએસ પણ દેશના અલ્પસંખ્યકોને પોતાના નાગરિક અધિકારોથી વંચિત કરવા ઈચ્છે છે. જ્યારે આ બંન્ને પુસ્તિકાઓમાં વિવાદાસ્પદ સામગ્રી પર સવાલ ઉઠાવવામાં આવ્યો તો કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ કહ્યું કે, પુસ્તકમાં જે છાપવામાં આવ્યું છે તે ઐતિહાસિક તથ્ય છે, જેને યોગ્ય સંદર્ભો સાથે લખવામાં આવ્યું છે. જનતાને હકીકત જણાવવી જરુરી છે. આજે આપણા દેશમાં બધા જ વ્યક્તિને પોતાની વાત મૂકવાનો અધિકાર છે.
વિર સાવરકર વિરુદ્ધ આ પ્રકારની વાતને લઈને શિવસેના હવે મેદાને આવી છે, આ મામલે સંજય રાઉતે કહ્યું કે, જે લોકો સાવરકરજી મામલે આવું બોલી રહ્યા છે તેમના મગજની તપાસ કરવી જોઈએ. પછી ભલે તે મહારાષ્ટ્ર હોય કે દેશનો કોઈપણ ભાગ, દરેક વ્યક્તિ વીર સાવરકરજી પર ગર્વ કરે છે. જે લોકો આ પ્રકારની વાતો કરે છે તેમનું મગજ ગંદકીથી ભરેલું છે. રાઉતે કહ્યું કે શિવસેનાનું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે વિર સાવરકરજી મહાન હતા અને રહેશે. તેમણે કહ્યું કે જે પણ પુસ્તક છપાયું છે તે મધ્ય પ્રદેશની જિંદગી છે તે ક્યારેય મહારાષ્ટ્રમાં નહી આવે. આ ગેરકાયદેસર છે.