નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી દૂર રાખ્યા બાદ કોંગ્રેસ હવે ભવિષ્યના પ્લાન પર કામે લાગી ગઈ છે. અન્ય રાજ્યોમાં પણ આ રીતે જ ગઠબંધનના સમીકરણ બેસાડવાની તૈયારીમાં છે. પાર્ટી પ્રવક્તા રાજીવ ગૌડાએ એ કહ્યું કે, અમે છેલ્લા કેટલાક વર્ષોમાં જોયું કે, ભાજપે અન્ય રાજકીય દળો અને તેમના સહયોગીઓને નિશાન બનાવ્યા છે. જેથી અમે જોઈ રહ્યા છીએ કે, દેશમાં નવા ગઠબંધન બની રહ્યા છે. આ બધુ એકદમ વ્યવહારીક રીતે થઈ રહ્યું છે.
તેમણે મહારાષ્ટ્ર મોડલને આગળ પ્રયોગ કરવા અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે, તમને હવે આગળ પણ આ પ્રકારના વ્યવહારીક ગઠબંધન જોવા મળશે. ગૌડાએ દાવો કર્યો કે, ભાજપની સરકારની દેશના સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થા માટે સારી નથી એટલા માટે જરૂરી છે કે, તમામ પક્ષો મળીને ભાજપને આગળ વધતા રોકે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતના નક્શા પર રાજકીય તસવીર બદલાતી જોવા મળી રહી છે. તમે ફરી એક વખત ભાજપ શાસિત રાજ્યામાં પ્રવેશ મેળવ્યા વગર કન્યાકુમારીથી કશ્મીર સુધીની સફર ખેડી શકો છો.
મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં કોઈ પણ પક્ષ પાસે બહુમત ન હોવાની સ્થિતિમાં 23 નવેમ્બરે અજીત પવારના નાટકીય સમર્થનથી ભાજપે સરકાર બનાવી જે 80 કલાકમાં પડી ગઈ. હવે રાજ્યમાં મહા-અઘાડી ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. જેમાં શિવસેના અને એનસીપીની સાથે કોંગ્રેસ પણ સામેલ છે.