પ્રજ્ઞા ઠાકુર પર એક્શનઃ ડિફેન્સ પેનલમાંથી નામ હટાવી દેવાયું

નવી દિલ્હીઃ સંસદમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે પર સાંસદ પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણીની ભાજપ દ્વારા નિંદા કરવામાં આવી છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું છે કે ભાજપા, લોકસભા સાંસદ પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણીની નિંદા કરે છે, પાર્ટી આ પ્રકારના નિવેદનોનું ક્યારેય સમર્થન નથી કરતી. નડ્ડાએ કહ્યું પ્રજ્ઞા ઠાકુર સંસદ સત્ર દરમિયાન ભાજપા સંસદીય દળની બેઠકમાં ભાગ નહી લઈ શકે.

ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞા ઠાકુરે ગઈકાલે એક નિવેદન આપીને વિવાદ સર્જી દીધો કે જ્યારે એ.રાજા કોર્ટ સમક્ષ નાથૂરામ ગોડસે દ્વારા આપવામાં આવેલા એ નિવેદનોને કહી રહ્યા હતા કે તેણે મહાત્મા ગાંધીની હત્યા શાં માટે કરી. ઠાકુરની ટિપ્પણીને લઈને વિપક્ષી સભ્યો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યા બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે એસપીજી વિધેયક પર ચર્ચા દરમિયાન માત્ર રાજાનું જ નિવેદન રેકોર્ડમાં રાખવામાં આવશે. લોકસભા સચિવાયલે બાદમાં એક અધિકારીક નિવેદન જાહેર કરીને કહ્યું કે ઠાકુરની ટિપ્પણી નોંધવામાં આવી નથી.

એ.રાજાએ કહ્યું કે, ગોડસેએ સ્વિકાર કર્યો હતો કે ગાંધીજીની હત્યાનો નિર્ણય લેતા પહેલા 32 વર્ષ સુધી તેના મનમાં ગાંધીજી પ્રત્યે દ્વેષની જ્વાળા પ્રગટી રહી હતી. રાજાએ કહ્યું કે, ગોડસેએ ગાંધીજીને માર્યા કારણ કે તેઓ એક ખાસ વિચારધારામાં વિશ્વાસ હતા. વિપક્ષી દળો જ્યાં ઠાકુર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા હતા ત્યાં જ ભાજપા સદસ્યોએ તેમને બેસવાની વિનંતી કરી. ત્યારબાદ લોકસભા અધ્યક્ષે કહ્યું કે માત્ર એ.રાજાનું નિવેદન રેકોર્ડમાં રાખવામાં આવશે. બાદમાં વિધેયક પર ચર્ચા દરમિયાન ગૌરવ ગોગોઈએ પણ ઠાકુરની ટિપ્પણી પર પોતાનો વિરોધ વ્યક્ત કરતા માંગ કરી કે તેમણે આ નિવેદન આપવા બદલ માફી માંગવી જોઈએ.