નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપ સર્જનાર જ્યોતિરાદિત્ય સિંધિયા છેવટે ભાજપમાં સામેલ થયા છે. તેઓ મધ્ય પ્રદેશથી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર પણ જાહેર થઈ ચૂક્યા છે. પાછલાં કેટલાંક વર્ષોમાં કોંગ્રેસ છોડીને કેટલાય નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. જોઈએ હાલ તેમની રાજકીય તાકાત કેટલી વધી છે અને તેમની શી સ્થિતિ છે. જાણીએ….
જ્યોતિરાદિત્ય સિંધિયા- મધ્ય પ્રદેશથી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર
રીતા બહુગુણા જોશી
કોંગ્રેસનાં ભૂતપૂર્વ દિગ્ગજ નેતા 2016માં ભાજપમાં સામેલ થયાં હતા. તેમણે 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લખનૌ કેન્ટથી ચૂંટણી લડી હતી. તેમણે મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવને હરાવીને અહીંથી જીત મેળવી હતી. રીતાને યોગી આદિત્યનાથ સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યાં હતાં. જોકે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને પ્રયાગરાજ (અલાહાબાદ)થી ઉમેદવાર બનાવ્યાં હતાં, તેઓ અહીંથી સંસદસભ્ય છે.
હેમંત બિશ્વા શર્મા
પૂર્વોત્તર વિસ્તારના આ મોટા ગજાના નેતાએ 2015માં ભાજપપ્રવેશ કર્યો હતો. તેમનું મહત્ત્વ એ રીતે આંકી શકાય કે પૂર્વોત્તર રાજ્યમાં જ્યારે પણ કોઈ જોખમ ઊભું થાય ત્યારે શર્મા પક્ષમાં સક્રિય થઈ જાય છે. આસામમાં પાર્ટીના વિશ્વાસપાત્ર ચહેરાઓમાંના એક છે. આસામમાં શર્મા પાસે નાણાં, શિક્ષણ અન સ્વાસ્થ્ય વિભાગ છે.
જગદમ્બિકા પાલ
ઉત્તર પ્રદેશમાં એક દિવસના મુખ્ય પ્રધાન રહેલા જગદમ્બિકા પાલ 2014માં ભાજપમાં સામેલ થયા. તેઓ સતત બે વાર ભાજપની ટિકિટ પર ડુમરિયાગંજથી સંસદસભ્ય છે.
બિરેન્દ્ર સિંહ ચૌધરી
બિરેન્દ્ર સિંહ ચૌધરી 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. તેમણે મોદી સરકાર-એકના કાર્યકાળમાં સ્ટીલ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં બિરેન્દ્ર સિંહે રાજ્યસભાની સદસ્યતાથી રાજીનામું આપ્યું હતું.
રાધાકૃષ્ણ વિખે પાટિલ
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ પાછલા વર્ષે કોંગ્રેસ છોડીને ભાજપપ્રવેશ કર્યો હતો. પાટિલે જે સમયે રાજીનામું આપ્યું હતું, ત્યારે તેઓ વિદાનસભામાં વિપક્ષના નેતા હતા. હાલ ભાજપમાં ખૂણામાં ધકેલાઈ ગયા છે. તેમની મહા વિકાસ અઘાડીમાં સામેલ થવાની અટકળો છે.
નારાયણ રાણે
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના અગ્રણી નેતા નારાયણ રાણે પાછલા વર્ષે ભાજપમાં સામેલ થયા હતા. કોંગ્રેસ છોડ્યા બાદ તેમને ભાજપે રાજ્યસભામાં ચૂંટી કાઢ્યા હતા. જોકે ભાજપે હજી સુધી કોઈ મોટી જવાબદારી નથી આપી.
એસ. એમ. કૃષ્ણા
ભૂતપૂર્વ વિદેશપ્રધાન એસ. એમ. કૃષ્ણા 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. કર્ણાટકના આ દિગ્ગજ નેતા પાસે હાલ કોઈ મહત્ત્વની જવાબદારી નથી.